વિશ્વના 90 ટકાથી વધુ લોકોને હવા પણ ચોખ્ખી મળતી નથી !
જીવન માટે હવા, પાણી અને ખોરાકની જરૂર રહે છે.
હવે પાણીનો વેપલો શરૂ થઇ ગયો છે, ત્યારે હવા જ મફતમાં મળે છે. પરંતુ હવા પણ ચોખ્ખી
મળતી નથી, ત્યારે કેમ જીવવું એ પ્રશ્ન થઇ ન પડે. આ હેવાલ કોઇ ઐરાગૈરાનો નથી. વિશ્વ
આરોગ્ય સંગઠન હુએ હેવાલ આપ્યો છે કે વિશ્વના 90 ટકાથી વધુ લોકોને ચોખ્ખી હવા પણ
મળતી નથી !
માનવીએ પ્રદુષણ ફેલાવીને હવા અને પાણીને બગાડી
મૂકી છે. જમીનનું પ્રદુષણ પણ માઝા મૂકી રહ્યું છે. હવાનું પ્રદુષણ માનવીના જીવનને
દોઝખ બનાવી દેશે, એ વાત કેમ કોઇને સમજાતી નથી. હુએ તેના હેવાલના તારણમાં કહ્યું છે
કે આજે દસમાંથી નવ જણા સૌથી ખરાબ હવા શ્વાસમાં લે છે. એ તો ઠીક દર વર્ષે પ્રદુષણ
વિશ્વમાં 60 લાખ લોકોના મોતનું કારણ બને છે. આપણે માનીએ છીએ કે શહેરોમાં વાહનો અને
ઉદ્યોગોને કારણે હવા વધુ પ્રદુષિત બની છે. ગામડામાં હવા સારી હોવાનું આપણે માનતા
રહ્યા છીએ. પરંતુ આ હેવાલ આપણી એ માન્યતાને ખોટી ઠેરવે છે. આ હેવાલમાં જણાવ્યા
પ્રમાણે તો કેટલાય ગામડાની હવા તો આપણે માનીએ એના કરતાં વધુ ખરાબ છે. હુએ તેનો
હેવાલ કાંઇ ટેબલ પર બેઠા બેઠાં તૈયાર કરી નાંખ્યો નથી. વિશ્વભરના 3000 જેટલા
સ્થળોની હવા તપાસીને, ચકાસીને આ હેવાલ તૈયાર કરાયો છે. એમ જોવા જાવ તો આ એક સેમ્પલ
રીપોર્ટ જ છે. પરંતુ હવા કોઇ સીમીત સ્થળે જ બંધાઇ રહે એમ નથી. સતત પવન વહેતો રહેવા
સાથે હવા પણ બદલાતી રહે છે. હવા દરેક સ્થળે જુદા જુદા પ્રમાણમાં પ્રદુષણ ધરાવતી
હોય છે. ક્યાંક જ્વાળામુખી ફાટે એવા સંજોગો હોય ત્યાં કુદરતી રીતે પણ પ્રદુષીત થઇ
જતી હોય છે. તો વળી ગરીબ દેશોમાં હજુ વિકાસના પગરણ ખાસ થયા નથી, તેથી ત્યાં ધૂળની
રજકણો તથા રસોઇ બનાવવા માટે સળગાવાતા ચૂલાને કારણે પેદા થતો ધૂમાડો હવાને ગંદી
કરતા રહે છે, એ સ્થિતિમાં કેટલાય ગરીબ દેશોની હવા વિકસીત દેશોની હવા કરતાં ગંદી
હોવાનું પણ પુરવાર થયું છે. વિશ્વની 92 ટકા વસ્તી એવા સ્થળે રહે છે, જ્યાં હવાની
ગુણવત્તા વિશ્વ આરોગ્ય સંસ્થાના માનાંક કરતાં ખરાબ હોય છે !
હવાના પ્રદુષણ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ,
કાર્બન મોનોકસાઇડ જેવા વાયુઓનું પ્રમાણ વધી રહ્યું છે, એ પ્રદુષણ ઉપરાંત હવામાં
રજકણોનું પ્રમાણ વધી રહ્યું છે, એ ચિંતાજનક છે. ખાસ કરીને 2.5 માઇક્રોમીટર કરતાં
ઓછા વ્યાસવાળા રજકણોનું પ્રમાણ વધી રહ્યું છે. આ રજકણો શ્વાસ વાટે ફેફસામાં જાય છે
અને અઠે દ્વારકા કરીને ત્યાં જ જમાવડો કરી દે છે. આ રજકણો ફેફસાની સ્થિતિસ્થાપકતા
ઘટાડે છે, તેને કારણે શ્વસન તંત્રના રોગો પણ વધી રહ્યા છે. આ રજકણો ફકત ધૂળના જ
છે, એમ માનશો નહીં. સલ્ફેટ અને કાળા કાર્બનના કણોનું પણ હવામાં પ્રમાણ વધી રહ્યું
છે, જે પણ શ્વાસમાં ફેફસામાં પહોંચી જાય છે. ફેફસામાં જમા થતાં આ રજકણો -
પ્રદુષણને કારણે પણ શ્વસન તંત્ર તેમજ કેન્સર જેવા રોગોનું પ્રમાણ વધી રહ્યાનું
વિજ્ઞાનીઓ વર્ષોથી કહી રહ્યા છે. એક ક્યુબિક મીટર હવામાં 2.5 માઇક્રોમીટર કરતાં
ઓછા વ્યાસવાળા કણોનું પ્રમાણ 10 માઇક્રોગ્રામથી વધુ હોય એ હવા ઉતરતી કક્સાની ગણાય
છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ હવાના નમૂના લીધા છે ખરા,
પણ ઘણા સ્થળોએ તો ઉપગ્રહોથી મળતા ડેટાથી જ કામ ચલાવ્યું છે. જમીન પરના નમૂના મળી
શકે એમ નથી. જો કે પહેલાં પૃથ્વી પરના હવાના ડેટા હતા,તેના કરતાં હાલમાં હવે વિશ્વ
આરોગ્ય સંગઠન પાસે વધુ ડેટા એકત્ર થયા છે. આ કારણથી હવાનું વિશ્લેષણ વધુ નક્કર
પાયે થઇ શક્યું છે.
ઘર કે
ફેકટરીમાંના પ્રદુષણ અને ખુલ્લી હવાના પ્રદુષણ એમ, બે પ્રકારના પ્રદુષણની અસર અંગે
તથ્યો કાઢવામાં આવ્યા છે. આ બંને પ્રકારના પ્રદુષણને કારણે દર વર્ષે 60 લાખ લોકો
મોતને ભેટે છે. જો કે હુ પાસે ઘર કે ફેકટરીમાંની હવાના પ્રદુષણ કરતાં ખુલ્લી હવાના
પ્રદુષણના આંકડા વધુ સચોટ છે. ફેકટરીઓમાંની જ હવા પ્રદુષિત હોય એમ માનીને ચાલવું
નહીં. ગરીબ અને વિકાસશીલ દેશોમાં હજુ કેટલાય પરિવારો કોલસો કે લાકડાંનો ઉપયોગ રસોઇ
બનાવવા માટે થાય છે. આ બળતણ વધુ નુકશાન કરનારૂં છે.
હવાના પ્રદુષણને કારણે થતાં મૃત્યુમાંથી 90 ટકા
મૃત્યુ ઓછી કે મધ્યમ આવકવાળા દેશોમાં થાય છે. ખાસ કરીને ચીન , મલેશિયા અને
વિયેતનામ જેવા દેશો સહિત દક્સિણ પૂર્વ અને પશ્ચિમ પેસેફિક વિસ્તારમાં હવાનું
પ્રદુષણ ગંભીર અસર કરી રહ્યું છે. પ્રદુષણ વકરી રહ્યું છે અને તેની અસર વિશ્વભરમાં
વર્તાઇ રહી છે, છતાં હજુ કોઇ દેશ નક્કર પગલાં ભરીને પ્રદુષણને ઘટાડવાની દિશામાં
કોઇ પગલું ભરતો નથી. રીયો દ જાનેરો અને ક્યોટો સંધિ પણ થઇ છે, છતાં તેનો અમલ
કરવામાં થાગાથૈયા થતા રહ્યા છે. હવે ફરીથી બધા દેશો હવાના પ્રદુષણ અંગે વિચારણા
કરે એ જરૂરી છે.
જો કે વિશ્વને આ આંકડાથી ખાસ ચિંતા થાય એમ નથી.
ગયા મે મહિનામાં જ વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેના એક હેવાલમાં હવાના પ્રદુષણને કારણે
80 ટકા લોકો ખરાબ હવામાં શ્વસે છે, એવું જણાવ્યું હતું. હવે ચાર મહિનાના ટૂંકા
ગાળામાં જ આ આંકડો વધીને 90 ટકા થયો છે. આ દસ ટકાનો વધારો ડેટાને કારણે છે કે ચાર
મહિનામાં હવાની ગુણવત્તા વધુ બગડી હોવાનો કોઇ ફોડ હેવાલમાં પડાયો નથી. પરંતુ આ દસ
ટકાથી વિશ્વમાં કોઇ ગભરાટનો માહોલ પેદા થાય એમ નથી. આમ, પણ કેટલાય લોકો તો જીવન
મળ્યું છે, તેથી જીવતા રહે છે, તેઓ કોઇ ગુણવત્તાસભર જીવનની આશા રાખતા જ નથી અને
મોટા ભાગની સરકારોને પણ પોતાના નાગરિક એ વન જીવન જીવે એવો માહોલ પેદા કરવાની ચિંતા
નથી, એ કારણથી જ હવાનું પ્રદુષણ ઘણાને ભરખતું જ રહેશે અને તારીખ પડતી રહે એમ ડેટા
પે ડેટા તૈયાર થતા જ રહેશે અને એનો અમલ થાય ત્યાં સુધીમાં તો કેટલીય પેઢી પૃથ્વી
પરથી ઉઠી ગઇ હશે.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો