મોદીનું ટીટ ફોર ટેટ – પાકિસ્તાનને ચીટીંયો ભર્યો

મોદીનું ટીટ ફોર ટેટ – પાકિસ્તાનને ચીટીંયો ભર્યો

સ્વાતંત્ર્ય પર્વે પ્રજાને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિમંત દેખાડીને  પાકિસ્તાનને અરીસો દેખાડી દીધો હતો. એમ પણ ભારતના એકે વડાપ્રધાને પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરની જ મંત્રણા કરવાની રહે છે, એવું ખોંખારીને પાકિસ્તાનને સંભળાવી દીધું ન હતું, એ કડવી દવા પાવાનું કામ પણ મોદીએ કર્યું હતું, એ પછી બે જ દિવસમાં સ્વાતંત્ર્ય પર્વે પોતાના સંબોધનમાં બલુચિસ્તાન, ગિલિગટ અને બાલ્ટીસ્તાનનો ઉલ્લેખ કરીને પાકિસ્તાનને સણસણતો તમાચો દિલ્હીમાં બેઠા બેઠા ચોડી દીધો છે.
15મી ઓગષ્ટે મોદીજીએ પોતાના સંબોધનમાં બલુચિસ્તાનમાં ચાલતી લડતના સંકેત આપીને પાકિસ્તાનને શાનમાં સમજાવી દીધું છે. ખાસ કરીને કાશ્મીરનો મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે છેડીને પાકિસ્તાન કાશ્મીરમાં ભારત દ્વારા કરાતા કથીત અત્યાચાર અંગે ગેરપ્રચાર કરતું રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને શરમીંદુ કરવા પ્રયાસ કરતું રહ્યું છે. મોદીએ પાકિસ્તાનને તેની જ દવા પીવડાવી દીધી છે, એ સાથે જ પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાન કેમ એટલું બધું ખળભળી ગયું ?
બલુચિસ્તાન ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૈાથી મોટો પ્રાંત છે, જો કે પાકિસ્તાનના ચાર પ્રાંતો કરતાં બલુચિસ્તાનમાં વસ્તી ઓછી છે. ઇરાન અને અફઘાનિસ્તાન સાથે તેની સરહદ જોડાયેલી છે, તે ઉપરાંત બલુચિસ્તાનમાં પ્રાકૃતિક સંસાધનો વધુ જથ્થામાં છે. ખાસ કરીને ગેસ, કોલસો અને તાંબાના મોટા ભંડારો છે. આમ છતાં બલુચિસ્તાન પાકિસ્તાનનો સૈાથી ગરીબ પ્રાંત છે. કદાચ, આ કારણસર જ બલોચ નેતાઓ એવો આક્ષેપ કરતા રહ્યા છે કે પાકિસ્તાન તેઓનું શોષણ કરતું રહે છે. સ્વાભાવિક છે કે આજે ઊર્જાની ખપત વધુ છે, ત્યારે તેનો ભંડાર જ્યાં હોય તેની આપોઆપ આર્થિક ઉન્નતિ થઇ જવી જોઇએ, તેને બદલે બલુચિસ્તાનની હાલત નબળી રહી છે. આ કારણથી જ બલોચ પ્રજા પાકિસ્તાનથી અલગ થવા માટે લડત ચલાવતી રહી છે. પાકિસ્તાન કહે છે કે તે અલગતાવાદ સામે તેના સૈન્યનો ઉપયોગ કરી રહી છે, તો બલોચ કહે છે કે પાકિસ્તાની લશ્કર બલોચ પ્રજાનું અપહરણ, શોષણ અને હત્યા કરે છે. આ કારણથી જ ત્યાં પાકિસ્તાન સામે રોષ જોવા મળે છે. 2006માં જ્યારે પાકિસ્તાની સૈન્યે બલોચ નેતા અકબર બગુતીને ઠાર માર્યો હતો, એ પછી તો ત્યાં પાકિસ્તાન સામે ભારે આક્રોશ જોવા મળે છે.
છેલ્લા કેટલાય વર્ષોથી બલુચિસ્તાનમાં આઝાદી માટેની લડત ચાલી રહી છે. સામાન્ય પ્રજાનો એમાં સારો એવો સથવારો છે. જો બલોચ પ્રજા વિફરે તો પાકિસ્તાન માટે ગેસ અને કોલસાનો ભંડાર ખોવો પડે એમ છે, તેથી જ તે બલુચિસ્તાનનો ઉલ્લેખ થતાં જ ગભરાયું છે. બલુચિસ્તાનમાં માનવ અધિકારનો પણ પાકિસ્તાની સૈન્ય ભંગ કરતું રહે છે, એ વાત પણ આંતરરાષ્ટ્રીય મંચ પર મૂકીને ભારત પાકિસ્તાનને રોંગ બોક્સમાં મૂકી શકે છે. એ વાત તે સારી રીતે જાણે છે. પાકિસ્તાનને સૈાથી મોટો ડર છે,તે એ કે  બલુચિસ્તાન થઇને જ પાકિસ્તાન અને ચીનનો ઇકોનોમિક કોરીડોર જાય છે. આ કોરીડોર હેઠળની કેટલીય યોજના સામે બલોચ પ્રજા વિરોધ કરે છે, ત્યારે એ પ્રાંતમાં ચીને પીછેહઠ કરવું પડે તો પાકિસ્તાન માટે હવે આર્થિક સહાય કરનારો બીજો કોઇ દેશ રહેતો નથી.
રહી વાત ગિલગિટ અને બાલ્ટીસ્તાનની. પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરના ઉત્તરી વિસ્તારને પાકિસ્તાન ગિલગિટ અને બાલ્ટીસ્તાનમાં વહેંચે છે, જ્યારે બીજા હિસ્સાને તે આઝાદ કાશ્મીર કહે છે. ગિલગિટ અને બાલ્ટીસ્તાનની સરહદ એક તરફ પાકિસ્તાનના ખૈબર પખ્તૂન પ્રાંતને અડે છે, તો બીજી તરફ તે કાશ્મીરને અડે છે. એ વિસ્તાર અફઘાનિસ્તાન અને ચીન સાથે પણ જોડાયેલો છે. સાથે એ પણ યાદ રહે કે ગિલગિટ અને બાલ્ટીસ્તાન શિયાબહુલ વિસ્તાર છે, જ્યારે પાકિસ્તાન સુન્ની બહુલ વિસ્તાર છે, તેથી પાકિસ્તાન સાથે ગિલગિટ બાલ્ટીસ્તાનની પ્રજાનું બહુ બનતું નથી અને તેથી જ ત્યાં પણ પાકિસ્તાન સામે અજંપો જોવા મળે છે. આ વિસ્તારમાં પણ પાકિસ્તાન- ચીનના ઇલોનોમિક કોરીડોરનો વિરોધ થઇ રહ્યો છે.
ભારતીય પ્રધાનમંત્રી મોદીજીએ આ ત્રણે વિસ્તારનો ઉલ્લેખ કરીને ફકત પાકિસ્તાનને ફફડાવી નાંખ્યું એવું નથી, ચીનને પણ સંકેત આપી દીધા છે કે સખણા નહીં રહો તો આ ત્રણે વિસ્તારોમાં તેમના ઇકોનોમિક ઝોન સામે વંટોળ ઊભો કરી શકાય એમ છે. અત્યારે ચીનની ઇકોનોમી ધીરે ધીરે નબળી પડી રહી છે, ત્યારે આ વિસ્તારમાં તેના નાણાં ફસાય તે તેને પરવડે એમ નથી. મોદીએ પોતાના સંબોધનમાં લાગ જોઇને લાકડું ભાંગવાનું કામ કર્યું છે. બિટવીન ધ લાઇન્સ તમામ ધમકી આપી દીધી છે. યાદ રહે કે હવે કાશ્મીર અને પાકિસ્તાનના મામલે નિર્ણાયકત્મક પગલાં લેવાનો સમયકાળ શરૂ થઇ ગયો છે. પહેલાં અઢી વર્ષના શાસન દરમ્યાન વિશ્વમતની તરેહ જાણી લીધા બાદ હવે એકસનનો સમય પાકી ગયો છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

જમાઇ રાજા વાડ્રા માટે દિવસો ભારે આવી રહ્યા છે

જયારે સિંગાપોરના તારનમે મોદી તથા તેમના મંત્રીઓને પાઠ ભણાવ્યા