હોકીમાં ભારત અને કેનેડાની મેચ ડ્રો

રીયો ઓલિમ્પિકની હોકીમાં ભારતની આજે છેલ્લી લીગ મેચ હતી અને એ પણ કેનેડા સામે.પરંતુ કેનેડાની ફેસર્સ ટીમ સામે પણ ભારતીય ખેલાડીઓ ખાસ કૈાવત દેખાડી શકયા નહીં. ગ્રાઉન્ડ ગોલ કરવાની એક કરતાં વધુ તકો ભારતીય ખેલાડીઓએ રોળી નાંખી, તો પેનલ્ટી કોર્નરની તકો પણ ગોલમાં ફેરવી શકાય નહીં, સરવાળે કેનેડા જેવી બેબી ટીમ સામે ભારતે માંડ ડ્રોથી સંતોષ માનવો પડયો હતો.

 આજે ભારત તમામ મોરચે ધાર્યો દેખાવ કરી શક્યું ન હતું. અગ્રીમ હરોળના ખેલાડીઓ ગોલ પોસ્ટ સુધી પહોંચવા છતાં ગોલ દાગી શકયા ન હતા. માંડ પેનલ્ટી કોર્નર મળવાને કારણે ભારતનું ખાતું ખુલી શકયું હતું. જો કે કેનેડાએ તરત જ બદલો લઇને ભારતની ખુશી છીનવી લીધી હતી. એ પછી બીજા એક પેનલ્ટી કોર્નરમાં ગોલ ફટકારવામાં ભારતને સફળતા મળી હતી. પરંતુ કેનેડાએ ફરીથી થોડા જ સમયમાં બે ગોલની બરાબરી કરી લીધી હતી. એ પછી તો મેચ પૂરી કરવાની ફોર્માલીટી જ પૂરી થઇ હતી. એક બે નહીં પૂરા પાંચ પેનલ્ટી કોર્નરમાંથી માંડ બે જ પેનલ્ટી કોર્નર જ ગોલમાં પરિવર્તીત કરી શકી હતી.વેલ, એ સાથે જ હવે રીયો હોકીમાં લીગ મેચ ભારતની પૂરી થાય છે. કેનેડા પૂલ બીમાં ભારત પહેલાંની એક પણ મેચ જીતી શકયું ન હતું, ત્યારે ભારત સામેની મેચ ડ્રોમાં પૂરી થાય એ પણ તેમને માટે મોટી સિધ્ધિ ગણી શકાય.
 ભારત બે મેચમાં વિજય, બેમાં પરાજય અને એક ડ્રો સાથે સાત પોઇન્ટ સાથે પૂલ બીમાં ત્રીજા ક્રમે રહ્યું છે. હજુ આર્જેન્ટિનાની પાંચમી લીગ મેચ બાકી છે, ત્યારે તે વિજય મેળવી જાય તો તે ત્રીજા ક્રમે ગોઠવાઇ જઇ શકે છે.
જો ભારતની ટીમ હજુ પોતાના ફોર્મમાં ન આવે તો ક્વાર્ટર ફાઇનલમાં તેની આગેકૂચ થંભી જાય એમ છે. કેનેડા અંડર ડોગ હોવા છતાં ભારતીય ખેલાડીઓએ મેચમાં ઝઝુમવું પડે એ જ ભારતનો પરાજય જ કહી શકાય એમ છે.

છતાં ભારતીય હોકી ટીમને અભિનંદન પણ આપવા પડે એમ છે કેમકે 1980 બાદ પહેલી વખત ભારતીય હોકી ટીમ ઓલિમ્પિકમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. વેલ, યાદ રહે કે 1928માં ઓલિમ્પિકમાં હોકીમાં પહેલો સુવર્ણ ચંદ્રક જીતી લીધા બાદ સતત આઠ વખત ગોલ્ડ મેડલ જીત્યું હતું. છેલ્લે 1980માં સોવિયેત સંઘમાં ભારત હોકીમાં મેડલ જીતવામાં સફળ રહ્યું હતું , એ પછી સતત ભારતનો ઓલિમ્પિકમાં હોકીમાં પરાજય થતો રહ્યો છે. હવે જોવાનું એ રહે કે આ વર્ષે ભારત હોકીમાં ક્વાર્ટર ફાઇનલથી આગળ વધે છે કે કેમ ?

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

જમાઇ રાજા વાડ્રા માટે દિવસો ભારે આવી રહ્યા છે

મોદીનું ટીટ ફોર ટેટ – પાકિસ્તાનને ચીટીંયો ભર્યો

જયારે સિંગાપોરના તારનમે મોદી તથા તેમના મંત્રીઓને પાઠ ભણાવ્યા