મહિલા શક્તિ – રીયોમાં ભારતને પહેલો ચંદ્રક સાક્ષીએ અપાવ્યો
મહિલા શક્તિ – રીયોમાં ભારતને પહેલો ચંદ્રક સાક્ષીએ અપાવ્યો
સાક્ષી મલિકને
છેલ્લા પંદર દિવસથી રીયો ઓલિમ્પિકમાં ભારતના ચંદ્રકના દુકાળને દૂર કરવામાં સફળતા
મળી છે. રીયો ઓલિમ્પિકમાં ભારતને પહેલો ચંદ્રક પહેલવાન સાક્ષીએ અપાવ્યો છે.સાક્ષી
એ ભારત વતી પહેલો ચંદ્રક કુસ્તીમાં જીતી લઇને એક અનોખો વિક્રમ કર્યો છે. તે ઓલિમ્પિકમાં
ચંદ્રક જીતનારી ચોથી ભારતીય મહિલા ખેલાડી બની છે. ભારતની પહેલી મહિલા કુસ્તીબાજ
છે, જે ઓલિમ્પિકમાં ચંદ્રક જીતી શકી છે.ભારત આઝાદ થયું એ પછી ઓલિમ્પિકમાં ભારતનો આ
25મો ચંદ્રક છે, એ પણ સાક્ષીનું જ સૈાભાગ્ય ગણાય ને ?
સાક્ષીના પિતા સુખવીર
મલિક દિલ્હીમાં બસ કંડકટર છે અને તેની માતા સુદેશ મલિક આંગણવાડીમાં સુપરવાઇઝર
તરીકે કામ કરે છે. કહેવાનો મતલબ એ જ કે સાક્ષીએ બાળપણમાં જે લક્સય નક્કી કર્યું
હતું, તે તેણે મહેનત અને ધગશથી પાર પાડયું છે. તેના જન્મ સાથે જ તેની માતા સુખેશને
નોકરી મળી હતી, તો પિતા તો નોકરી કરતા જ હતા, તેથી જ સાક્ષીને સાચવનારૂં કોઇ ન હતું,
તેથી તેને દાદા- દાદી પાસે રાખવામાં આવી હતી. દાદા પહેલવાન હતા અને તેથી જ તેમને
જાણનારાઓ તેમને કેમ છો પહેલવાનજી કહીને સંબોધતા હતા અને કદાચ, એ બાળમાનસમાં
કંડારાઇ ગયું હશે કે પહેલવાન થવું એ મોભ્ભો છે. સાક્ષીએ નાની વયે જ નક્કી કરી
નાંખ્યું હતું કે બનવું તો પહેલવાન જ. સાત વર્ષથી પહેલવાન બનવાનું સપનું તેણે જોયું
હતું. તો એ સપનું સાકાર કરવા માટે પિતા અને માતાએ પણ પૂરતો સહયોગ આપ્યો હતો. સાક્ષી
બાળપણથી કુસ્તી માટે જરૂરી કસરત તથા તાલિમ લેવા જતી, ત્યારે ઘણાને નવાઇ લાગતી.
છોકરી થઇને વળી કુસ્તીની તાલિમ ! એ વખતે સુખેશ મલિક કહેતાં કે, જો છોકરીઓ પાઇલોટ, ઇજનેર કે
તબીબ બની શકે તો પહેલવાન કેમ નહીં ? બસ સાક્ષીએ તો પહેલવાન જ બનવું હતું અને તેથી જ તે સતત કુસ્તીમય
જ બની જતી. તેનું તમામ કામ વેલ પ્લાન્ડ જ હોય.દરરોજ પોતાનું ટાઇમટેબલ બનાવીને આજે
શું શું કરવું તે નક્કી કરી લેતી અને એ પ્રમાણે કામ પૂરા પણ કરતી. વળી સાંજે કામના
લેખાંજોખાં પણ કરી લેતી.
સતત મહેનત કરી,
તાલિમ મેળવીને સાક્ષીએ કુસ્તીના તમામ પાઠ શીખી લીધા હતા. જે લગન અને મહેનતથી તે
કુસ્તી કરતી હતી, તે જ તેના ભાવિમાં મોટી સફળતાના સંકેત આપતા હતા. ઓલિમ્પિક પહેલાં
જ તેણે પોતાની કમાલ દેખાડવા માંડી હતી. રાષ્ટ્રીય સ્તરે તો ઠીક આંતરરાષ્ટ્રીય સ્તરે
પણ પોતાની હાજરી નોંધાવવા માંડી હતી.બે વર્ષ પહેલાં જ ગ્લાસગો ખાતેની કોમનવેલ્થ
ગેઇમ્સમાં તેણે રજત ચંદ્રક જીતી લીધો હતો, તો એ જ વર્ષે ઇન્ચોન ખાતેની એશિયન
ગેઇમ્સમાં તેણએ બ્રોન્ઝ મેડલ જીતી લઇને ઓલિમ્પિક માટે પોતાની દાવેદારી મજબૂત હોવાનું
વિશ્વને જણાવી દીધું હતું. આખરે, તો રીયો માટે પસંદ થઇ અને રીયોમાં ઓલિમ્પિક શરૂ
થઇ તે પછી તો ભારતના કેટલાય દિગ્ગજો ભોંયભેગા થઇ ગયા હતા. રમતગમતની દુનિયામાં અપસેટ
તો થતા જ રહે છે. ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતી લાવેલો અભિનવ બિન્દ્રા પણ આ વખતે કાંસ્ય
પણ જીતી ન શકયો, તો સાનિયા મિર્ઝા પણ કમાલ ન દેખાડી શકી. પેસ પણ ખાસ ઝળક્યો નથી.
છેલ્લા બે અઠવાડિયાથી દેશવાસીઓ જાણે રીયોમાં ચંદ્રક માટે ભુખા થઇ ગયા એવા હાલ હતા,
ત્યારે આખરે, સાક્ષીએ ચંદ્રકનો સૂર્યોદય કરી દેખાડ્યો.
એ સાથે જ સાક્ષી
ઓલિમ્પિકમાં ચંદ્રક જીતનારી ચોથી ભારતીય મહિલા ખેલાડી બની છે, ઓલિમ્પિકમાં સૈા
પહેલો ચંદ્રક જીતનારી ભારતીય મહિલા મલ્લેશ્વરી છે. વેઇટ લિફ્ટીંગમાં તેણે 2000ની
સિડની ઓલિમ્પિકમાં, એ પછી 2012માં મેરી કોમે અને એ જ વર્ષે સાયના નેહવાલે ચંદ્રક
મેળવ્યા હતા. એ પછી સાક્ષી હવે ચોથી ભારતીય મહિલા બની છે, જે ઓલિમ્પિકમાં ચંદ્રક
જીતી લાવી છે.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો