એવા કેટલાક દેશો જે ઓલિમ્પિકના ઇતિહાસમાં પહેલી વખત રીયોમાં મેડલ જીતી ગયા

એવા કેટલાક દેશો જે ઓલિમ્પિકના ઇતિહાસમાં પહેલી વખત રીયોમાં મેડલ જીતી ગયા




રીયો જાઓ, સેલ્ફી લો અને ખાલી હાથે ( મેડલ જીત્યા વિના ) પાછા ફરો... તક અને પૈસા બંનેની બરબાદી.
શોભા ડે એ ગઇ તા. 8મીએ આ મતલબનું ટ્વીટ કર્યું તે સાથે જ ચોમેર ફિટકાર વરસ્યો. સ્વાભાવિક છે કે આપણા ખેલાડીઓ કાંઇ રીયો ફરવા તો ગયા જ નથી, પરંતુ ઓલિમ્પિકમાં તેમનો પનો ટૂંકો પડ્યો એ વાત આ લેખ લખાય છે, ત્યારે તો સાચી જ છે. શોભા ડે ખેલાડીઓને સમજી જ શક્યા નથી. કોઇ પણ ખેલાડી માટે ઓલિમ્પિકમાં મેડલ જીતવો એ જીવનભરનું સપનું હોય છે, તે સાકાર કરવા માટે તેઓ મચી પડતા હોય છે. એ અલગ વાત છે કે બધા ખેલાડીઓનું એ શમણું સાચું પડતું નથી.ભારતને અત્યાર સુધીમાં એકે મેડલ મળ્યો નથી, ત્યારે એવા પણ કેટલાય દેશો છે, જેમને કોઇએ ગણતરીમાં લીધા ન હતા, છતાં રીયોમાં તેમને પહેલી વખત મેડલ મળ્યો છે.એમાંય વળી એકાદ બે દેશ તો એવા છે, જેના નામો પણ તમે સાંભળ્યા નહીં જ હોય.
ઓલિમ્પિકમાં મેડલ જીતવો હવે કપરો થઇ જાય છે. ભલભલા મહારથીઓના પાણી અહીં મપાઇ જતા હોય છે. આકરી મહેનત અને એ પછી પણ દિવસ સારો ઉગે તો જ મેડલ ગળામાં મળે નહીં તો જરા ગલતી પણ ચંદ્રક છીનવી જાય.ભારતીય ખેલાડીઓ માટે રીયો અપશુકનિયાળ નીવડી એમ કહીએ તો ચાલે.સાનિયા મિર્ઝા અને સાએના નહેવાલ, બંને પણ કમાલ દેખાડી ન શક્યા. શું આ બંને ખેલાડીઓને ચંદ્રક જીતવાની ખ્વાઇશ નહીં હોય ? આપણે જેના ઉપર મેડલની આશ લગાવીને બેઠા હતા, એમાંથી મોટાભાગના ખેલાડીઓ નિષ્ફળ રહ્યા છે. ખેર, બેટર લક ફોર નેક્સ્ટ ટાઇમ. ખેર, આપણા માટે અત્યાર સુધીમાં રીયો ઓલિમ્પિક નિરાશાજનક જ રહ્યો છે, ત્યારે એવા કેટલાય દેશો છે, જેને રીયો ફળ્યું છે. ઓલિમ્પિકના ઇતિહાસમાં પહેલી વખત ચંદ્રક જીતવાની તેઓને તક મળી ગઇ છે.વિયેતનામ, ફિજી અને સિંગાપોરનું નામ તો તમે સાંભળ્યું જ છે અને એ દેશોના ખેલાડીઓ પહેલી વખત દેશને મેડલ અપાવવામાં સફળ રહ્યા છે, તો તમે ભાગ્યે જ નામ સાંભળ્યું હશે એવા કોસોવા અને પોર્ટો રિકોના ખેલાડીઓ પણ ચંદ્રક મેળવનાર દેશોની યાદીમાં પોતાના દેશના નામો અંકિત કરી ગયા છે.પોર્ટો રિકોની મોનિકા પ્વીગ વિમેન્સ સિંગલ્સ ટેનિસમાં વિજય મેળવીને પોતાના દેશ વતી પહેલી વખત સુવર્ણ ચંદ્રક મેળવી ગઇ છે. એ જ પ્રમાણે વિયેતનામના હોઆંગ શુઆન વીને દસ મીટર એર િપસ્તોલ સ્પર્ધામાં િવજય મેળવીને સુવર્ણ ચંદ્રક જીતી લીધો હતો. વિયેતનામને પહેલી વખત ઓલિમ્પિકમાં ચંદ્રક મળ્યો છે.કોસોવોની માઝાલિંડા લેકમેંડીએ જૂડોમાં 52 કિલોગ્રામની શ્રેણીમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. કોસોવોને પહેલી વખત ઓલિમ્પિકમાં મેડલ મળ્યો છે.તો વળી રગ્બી સેવનમાં ફિજીની ટીમે બ્રિટનને હરાવીને પહેલી વખત ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. સિંગાપોરના જોસેફ સ્કૂલિંગે 100 મીટર બટરફ્લાયમાં માઇકલ ફ્લેપ્સને હરાવીને સુવર્ણ ચંદ્રક જીતી લીધો હતો. ફ્લેપ્સ એટલે ઓલિમ્પિકના ઇતિહાસમાં 25 ચંદ્રક જીતી જનારો ખેલાડી છે, તેને હરાવીને ગોલ્ડ પડાવી જવો એ પણ એક મોટી સિધ્ધિ ગણાય.

આની સામે ભારતને 15મી ઓગષ્ટ સુધીમાં તો એકે ચંદ્ર્ક મળ્યો નથી. ભારતીય ખેલાડીઓના નબળા પ્રદર્શન અંગે શોભા ડે જેવી ટીકા આપણે ન કરીએ પરંતુ ખેલાડીઓ ચંદ્રક જીતી લાવે એલી તાલિમ આપવાની જરૂર છે, તેઓને પૂરતી સગવડ આપવાની જરૂર છે. વળી રમત સંઘોમાં જે રાજકારણના આટાપાટા ચાલે છે, એ બંધ કરાવવાની જરૂર છે, એ પછી જ આપણે ત્યાં રમતગમતની તંદુરસ્તી સુધરશે અને તો જ આપણી ઝોળી ચંદ્રકોથી ભરાઇ જશે. આપણે ત્યાં પ્રતિભાની કમી નથી, પંરતુ એ કાચા હિરાઓને પહેલ પાડવાની તેમજ રાજકારણને બાજુએ મૂકીને પ્રતિભાને જ પ્રાધાન્ય આપવાની જરૂર છે, એ વિના મેડલ જીતી ન શકાય.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

જમાઇ રાજા વાડ્રા માટે દિવસો ભારે આવી રહ્યા છે

મોદીનું ટીટ ફોર ટેટ – પાકિસ્તાનને ચીટીંયો ભર્યો

જયારે સિંગાપોરના તારનમે મોદી તથા તેમના મંત્રીઓને પાઠ ભણાવ્યા