જમાઇ રાજા વાડ્રા માટે દિવસો ભારે આવી રહ્યા છે
સોનિયા ગાંધીના જમાઇ
રોબર્ટ વાર્ડા માટે કપરો સમય આવી ગયો છે. ડીએલએફ જમીન સોદામાં ગરબડી થઇ હોવાનો
હેવાલ તપાસ સમિતિ – ઢીંગરા સમિતિએ આપ્યો હોવાના સંકેત મળી રહ્યા છે. હા,
રીપોર્ટમાં સત્તાવાર રીતે શું છે, એ હજુ બહાર આવ્યું નથી.પરંતુ જસ્ટીસ ઢીંગરાએ
સંકેત જરૂર આપતા કહ્યું છે કે જો ગેરરીતિ થઇ ન હોત તો એક જ લાઇનનો રીપોર્ટ આપી
દીધો હોત. પરંતુ 182 પાનાના રીપોર્ટમાં આખરે, ઘણાની સામે એકશન લેવાય એવો દારૂગોળો
જરૂર ભર્યો હશે.સ્વાભાવિક છે કે આ સોદોમાં ગેરરીતિ થઇ હોય તો તેના કસુરવારમાં એ
જમીન ખરીદીને મોટા નફે વેચનારા રોબર્ટ વાડ્રા અને તેમના માટે નિયમોની ઐસીતૈસી કરનારા
એ વખતના હરિયાણાના મુખ્ય મંત્રી હુડ્ડાના નામ હોય એ સમજી શકાય એમ છે. આ બંને સામે
હવે રીપોર્ટ આવ્યા બાદ સરકાર શું પગલાં ભરે તેના ઉપર સૈાની નજર રહેશે. જો કે આ
હેવાલ સામે જ અદાલતમાં અપીલ થશે એટલે જે કોઇ કસુરવાર હશે, તેને સજા ક્યારે થશે એ
તો કોઇ કહી શકે એમ નથી.
પહેલાં તો પ્રશ્ન
થાય કે આ જમીનનો સોદો શું છે ?
રોબર્ટ વાડ્રાની
કંપની સ્કાઇલાઇટ હોસ્પીટીલીટીએ ગુરૂગ્રામના શિકોહપુરમાં સાડા સાત કરોડમાં એક જમીન
ખરીદી હતી. એ જમીનનો ઉપયોગ હેતુ બદલીને તરત જ કંપનીએ 55 કરોડ રૂપિયામાં ડીએલએફને
વેચી દીધી હતી.હુડ્ડાની સરકારે ડીએલયુ સર્ટીફિટેક આપીને જે જમીન સત્તામાં ખરીદાઇ
હતી, તે જમીનના ભાવ ઉંચકાયા હતા. આ સીએલયુ સર્ટીફિકેટ આપવા પાછળ હુડ્ડા સરકારનો
હેતુ જમાઇ રાજાને ફાયદો કરાવી આપવાનો હોવાનું સ્પષ્ટ થાય છે.આ મામલે વિવાદ પેદા
થયા બાદ તો હુડ્ડાની કોંગ્રેસી સરકાર ચૂંટણીમાં હારી પણ ગઇ અને એ પછી ભાજપની ખટ્ટર
સરકાર સત્તામાં આવી છે.ખટ્ટર સરકારે 2015માં ગુરૂગ્રામ સહિતના વિવાદાસ્પદ જમીન
સોદા અંગે તપાસ કરવા માટે પૂર્વ જસ્ટીસ ઢીંગરાની સમિતિ રચી હતી. આ સમિતિએ ગયા
જુનમાં તેનો હેવાલ આપવાનો હતો, પરંતુ એ સમયે કેટલાક મહત્વના દસ્તાવેજો તેના હાથમાં
આવતા આ હેવાલ 31 ઓગષ્ટ 2016ના રોજ ખટ્ટર સરકારને સોંપી દેવાયો છે.
આ હેવાલ ત્રણ ભાગમાં
છે- 1. પહેલા ભાગમાં તપાસના તારણો, 2 બીજા ભાગમાં પુરાવા અને 3. ત્રીજા ભાગમાં
કેટલાક દસ્તાવેજો છે, તે અંગે સરકારને તપાસ માટે ભલામણ કરવામાં આવી છે.
જસ્ટીસ ઢીંગરાએ આ
હેવાલ સરકારને સોંપ્યો એ પછી પત્રકાર પરિષદનું સંબોધન કર્યું હતું, પણ તેમાં
સત્તાવાર રીતે રાજય સરકારે એ હેવાલ વિધાનસભામાં રજુ કરે કે એ પહેલાં સરકાર જ વિગત
આપી શકે છે, એમ કહીને માહિતી આપવાનો ઇન્કાર કરી દીધો હતો.
જો કે ઢીંગરાએ એટલો
ફોડ જરૂર પાડયો છે કે આ જમીન સોદામાં ગેરરીતિ થઇ છે, એ પુરવાર થાય છે. એ તથ્યને આધારે
હવે એવી ગણતરી મૂકાઇ રહી છે કે આ જમીન સોદાથી જેને ફાયદો થયો છે એ જમાઇ રાજા
રોબર્ટ વાડ્રા તેમજ તેને ફાયદો કરાવી આપનારા તે વખતના હરિયાણાના મુખ્યમંત્રી હુડ્ડા
સામે કડક સજાની ભલામણ કરાઇ છે. મતલબ કે આ બંને ઉપરાંત બીજા અનેક નાના માથાઓ પણ
કસુરવાર જણાયા હોવા જોઇએ.
પ્રશ્ન એ છે કે હવે
એ રીપોર્ટને હુડ્ડાએ તો રાજકિય વેરભાવનાવાળો ગણાવવા માંડ્યો છે. એ તો સમજી શકાય એમ
છે કે પોતાની માંને ડાકણ કોણ કહે તેમના એ નિવેદન
સાથે એ હેવાલ સામે હુડ્ડા તથા વાડ્રા તેમજ બીજા પક્ષકારો પણ અદાલતમાં જશે એ નક્કી
છે. એ થકી આખા હેવાલ ઉપર લેવાનારા એકસનને વિલંબમાં મૂકી દેવાશે.એ જોતાં કસુરવારોને
સજા ક્યારે થશે એ તો ઉપરવાળો પણ કહી શકે એમ નથી. આપણે ત્યાંની ન્યાય વ્યવસ્થા એવી
છે કે એક પછી એક અપીલ કરવામાં ઘણા વર્ષો નીકળી જશે. એ સંજોગોમાં આ કેસને દાખલારૂપ કેસ
ગણાવી તે અંગે વહેલો ચુકાદો આવે એવી જોગવાઇ થઇ ન શકે ?

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો