સામાજિક ઉત્થાનમાં અમ્મા એક બ્રાન્ડ નેઇમ બની ગયા




જયલલિતાનું 68 વર્ષે કાર્ડિયાક એરેસ્ટ બાદ નિધન થયું અને તામિલનાડુમાં આધાતની ક્ષણ આવી ગઇ. આપણે નજીકના સબંધીના મૃત્યુ પર પણ આસું સારી શકતા નથી, ત્યાં તામિલનાડુમાં એક રાજકારણી હોવા છતાં, કોઇ જ નાતો ન હોય એવી આમજનતા હૈયાફાટ રૂદન કરતી હતી, તેનું કારણ શું ? જયલલિતાએ શરૂ કરેલી અમ્મા બ્રાન્ડ.
જયલલિતા મુખ્યમંત્રી બન્યા, ત્યારે ગત ટર્મમાં તેમણે ગરીબોને સહાયભૂત થાય એવી સરકારી યોજનાઓ શરૂ કરી હતી. ઓફકોર્સ તેઓ પણ એક રાજનેતા હતા, તેથી તેમની નજર મત ઉપર હોય એ સમજી શકાય એમ છે. છતાં તેમણે ગરીબ પ્રજાના મત લઇને પણ તેમનું જીવન આસાન રહે એ માટે તમામ યોજનાઓ બનાવી, તેનો ચુસ્ત અમલ પણ કરાવ્યો. ચૂંટણી વખતે મફત લેપટોપ કે બીજી સામગ્રી આપવાનો રિવાજ તામિલનાડુમાંથી જ આવ્યો છે. સાડી આપવી કે એવા અન્ય લોભામણા ઇનામ આપવાની જાહેરાત થતી રહી છે. ચૂંટણીમાં મત મળી જાય એટલે એ ગીફ્ટનું કામ પૂરૂં થઇ ગયું સમજો. પરંતુ તામિલનાડુમાં જયલલિતા સાચા અર્થમાં અમ્મા બની રહ્યા હતા.
શરૂઆત તેમણે અમ્મા કેન્ટીનથી કરી હતી. યાદ હોય તો મહારાષ્ટ્રમાં શિવસેનાએ ઝુણકા ભાખર સસ્તા દરે મૂકીને લોકોની ભૂખ મીટાવવાનો પ્રયાસ કર્યો હતો, એ જ તર્જ ઉપર અમ્મા કેન્ટીનમાં એક રૂપિયે ઇડલી, બે રૂપિયે દહીં ચાવલ અને પાંચ રૂપિયામાં તો સંભાર ચાવલ મળતા હતા. બોલો, બજારમાં આજે એક બે રૂપિયામાં કંઇ આવતું નથી, ત્યારે પેટ ભરાઇ જાય એટલો આહાર શું ખોટો ? એ ઓછું હોય એમ જયલલિતાએ બજાર કરતાં સસ્તું મીઠું અને સસ્તા શાકભાજી પણ અમ્મા બ્રાન્ડથી વેચવા માંડયા હતા. બજાર કરતાં દસ ટકા ઓછા ભાવે દવા પણ વેચાતી હતી.તો ગરીબ વિદ્યાર્થીઓ માટે લેપટોપ પણ ખરાં જ. કામ કરીને માનવી કંટાળી જાય એટલે મનોરંજન રીલેકસ થવા માટે જરૂરી ગણાય છે, પરંતુ આજે તો મનોરંજન પણ મોંઘુ થઇ ગયું છે, ત્યારે અમ્માએ આઠ મહાનગરોમાં એસી થીયેટર બનાવ્યા, જ્યાં તમે આઠ રૂપિયામાં ફિલ્મ જોઇ શકો. માથે છત જોઇએ, તો ગ્રામીણ વિસ્તારમાં ફકત 190 રૂપિયે સીમેન્ટની ગૂણ મળે. લો ઓર જીને કો ક્યા ચાહિયે.. હા, એના બદલામાં લોકો તેમને મત આપતા, ઢગલો આપતા અને તેથી જ 32 વર્ષના ઇતિહાસમાં જયલલિતાએ એવો કરીશ્મા કરી દેખાડયો કે પહેલી વખત સતત બે વખત કોઇ પણ રાજકિય પક્ષ સત્તા મેળવી શક્યો. ગયા વર્ષે જ્યારે વિધાનસભાની ચૂંટણી થઇ ત્યારે તામિલનાડુનો ઇતિહાસ જોતાં એઆઇડીએમકેનો પત્તો નહીં લાગે એવો ઘણા વર્તારો કરતા હતા, પરંતુ અમ્મા ધરાર જીતી ગયા અને ફરી મુખ્યમંત્રી પણ બની ગયા હતા.

તામિલનાડુમાં ગરીબ તથા નીચલા મધ્યમવર્ગને સામાજિક સુરક્ષાનો જે લાભ મળ્યો, તે સ્વાભાવિક રીતે જ અમ્માની ફેવરમાં રહ્યો. કાશ, આપણા બીજા રાજકારણીઓ પણ એ માર્ગે આગળ વધે તો. ગરીબો માટે તામિલનાડુના બજેટના 27 ટકા નાણાં સબસીડી માટે વપરાતા હતા. એક તરફ ઉદારીકરણના જમાનામાં સરકાર સબસીડી દૂર કરી રહી છે, ત્યારે અમ્મા સબસીડી દ્વારા ગરીબોને જીવવા માટેની સીડી પૂરી પાડતા હતા.કદાચ, એ જ પ્રતિબિંબ તેમના મૃત્યુ પછી આમજનતામાં જોવા મળ્યું. જાણે પરિવારજનનું અવસાન થયું હોય એમ લોકો છાતી કૂટતા જોવા મળ્યા હતા.જયલલિતા બ્રાન્ડ રાજનીતિ દેશમાં શરૂ થાય તો કંઇક સામાજિક ઉત્થાન જરૂર થઇ શકે. 


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

જમાઇ રાજા વાડ્રા માટે દિવસો ભારે આવી રહ્યા છે

મોદીનું ટીટ ફોર ટેટ – પાકિસ્તાનને ચીટીંયો ભર્યો

જયારે સિંગાપોરના તારનમે મોદી તથા તેમના મંત્રીઓને પાઠ ભણાવ્યા