પરંપરા ચાલુ રહી, ટાઇમ પર્સન ઓફ ધ યર ટ્રમ્પ બન્યા
લો, વાચકોએ ઓનલાઇન સર્વેમાં ભારતીય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પર્સન ઓફ ધ યર જાહેર કરી દીધા હતા, પરંતુ જ્યારે ટાઇમના
સંપાદકોએ આખરી નિર્ણય કર્યો, ત્યારે અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ
બાજી મારી ગયા. જમણો હાથ મોં તરફ જ વળે.
ગયા રવિવારે જ ટાઇમ મેગેઝીને પર્સન ઓફ ધ
યર માટે વાચકોનો ઓનલાઇન સર્વે થયો હતો, તેના આંકડા જાહેર કર્યા હતા. આ સર્વેમાં
ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટોચ પર હતા. એ પણ પૂરા 18 ટકા મત સાથે, જ્યારે
તેમની સાથે સ્પર્ધામાં ગણાતા અમેરિકાના વર્તમાન પ્રમુખ બરાક ઓબામા, ચૂંટાયેલા
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને અસાન્જે હતા. જો કે આ ત્રણે તો મોદી કરતાં રીડર્સ
પોલમાં તો અડધે પણ પહોંચ્યા ન હતા. આ ત્રણેને માંડ સાત ટકા મત મળ્યા હતા.
હા, એ યાદ રહે કે છેલ્લા પાંચ વર્ષ
દરમ્યાન ટાઇમ મેગેઝીન રીડર્સ પોલ ભલે કરાવતું હોય, પણ તેના સંપાદકો વાચકોના એ
સર્વેને કચરાપેટીમાં નાંખીને પોતાનું ધાર્યું જ કરી જાય છે. છેલ્લા પાંચ વર્ષથી
તેઓ પોતાના માનીતાને જ પર્સન ઓફ ધ યરનો તાજ પહેરાવી દે છે. 2011 માં વાચકોએ તો
રચેપ તૈય્યપ અર્દોઆનને પર્સન ઓફ ધ યરનો તાજ પહેરાવ્યો હતો, પણ ટાઇમના સંપાદકોએ એ તાજ
વિશ્વભરના વિરોધપ્રદર્શન કરનારાઓને પહેરાવી દીધો હતો. 2012ના વર્ષમાં વાચકોએ તો
કિમં જોંગ ઉનની પસંદગી કરી તો સંપાદકોએ અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાને પસંદ કર્યા
હતા. 2013 માં રીડર્સ પોલ ફતહ અલી સિસીની તરફેણમાં હતો, પણ ટાઇમના સંપાદકો તો પોપ
ફ્રાંસિસને જ તાજ પહેરાવ્યો હતો. 2014 માં પણ એવું જ થયું, વાચકોએ ઓન લાઇન
સર્વેમાં પર્સન ઓફ ધ યર તરીકે મોદીને પસંદ કર્યા હતા, પણ ટાઇમના સંપાદકોએ ઇબોલા રોગ સામે લડનારાઓને પર્સન
ઓફ ધ યર બનાવી દીધા હતા.2015ની સાલમાં વાચકોએ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુટીનની
પસંદગી કરી હતી, જ્યારે સંપાદકોએ તો જર્મનીના ચાન્સેલર એંજેલા મર્કલને પસંદ કર્યા
હતા.
કહેવાનો મતલબ એ જ કે ટાઇમ મેગેઝીન મોટા
ઉપાડે ઓનલાઇન સર્વે તો કરાવે છે, પણ તેને ગણકારતું નથી. જો એમ જ હોય તો પછી
વાચકોનો સર્વે કરાવવાનું ક્યાં જરૂરી છે ? બસ, પોતાને
ફાવે એ રીતે જ તાજ પહેરાવી દેવો જોઇએ. વાચકો પાસે કડાકૂટ કરાવવાની ક્યાં જરૂર છે ? વળી 2000ની સાલ પછી તો ટાઇમ મેગેઝીન અમેરિકામાં ચૂંટણી ગઇ હોય તો વિજેતાને જ પર્સન
ઓફ ધ યર જાહેર કરી દે. આ વખતે પણ એમ જ બન્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પને ફકત વાચકોના 7
ટકા મત મળ્યા હતા, જ્યારે મોદીને 18 ટકા મત મળ્યા હતા, પરંતુ સંપાદકોએ તો જમણો હાથ
મોં ભણી જ વળે એમ ડોનાલ્ડ ટ્રમ્પને જ પર્સન ઓફ ધ યર જાહેર કરી દીધા છે. છતાં એ
જરૂર કહેવું પડે કે ભારતના વડાપ્રધાન મોદી લોકપ્રિયતાની દ્રષ્ટિએ તો ટોચ પર જ છે.
બેટર લક નેક્સ્ટ ટાઇમ...

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો