લાંબુ જીવવાની આ રહી ટીપ્સ !
લાંબુ જીવવાની આ રહી ટીપ્સ !
એ અલગ વાત છે કે ઘડપણ જો પરાધીન થઇને જીવવાનું હોય તો
અભિશાપ બની રહે છે. પરંતુ 90 વર્ષના યુવાનો પણ જોયા છે, જેઓ પોતાના કામો જાતે જ
કરી લે, બલ્કે નવું નવું પણ શીખતા રહે છે. એવું સક્રિય જીવન જીવવાનું મળે તો ઉંમર
તો એક આંકડો જ બની રહે છે. એ વાત મોડે સમજાય, પણ સામાન્ય રીતે યુવાન હોઇએ ત્યારે
જીવનની સદી મારવાની બધાને જ ઇચ્છા હોય છે.
નિરાંતે વિચારો તો કશુંક સમાજને સારૂં આપી શકો, પરિવારને
આપી શકો અને એક ઉદાહરણરૂપ બની શકો તો જીવન ગમે એટલા વર્ષનું હોય, બહુ ગમી શકે એવું
જ રહે. આનંદ નામની ફિલ્મમાં રાજેશ ખન્નાનો ડાયલોગ છે, જીવન લાંબુ નહીં, પણ
મહત્વનું હોવું જોઇએ. મતલબ કે વર્ષો ફળદાયી બનવા જોઇએ. આ તમામ વાતો બધા જ આપણે
સમજીએ છીએ, છતાં ક્યાંકને ક્યાંક જીવન સંઘર્ષમાં વીતતું જાય અને તેને કારણે તે
અભિશાપ જ બની રહેતું હોય છે. પૂર્વ કેન્દ્રિય મંત્રી કુમુદબેન જોશી સાથે એક વખત
વાત થઇ ત્યારે તેમને તંદુરસ્ત રહીને કઇ રીતે જીવી શકો એમ પૂછતાં તેમણે કહ્યું હતું
કે, મોટા ભાગના લોકો જીવન દરમ્યાન બે છેડા ભેગા કરવાના સંઘર્ષમાં એવા તુટી જાય છે
કે તેની અસર શરીર પડતી રહે છે. જો તંદુરસ્તી ન હોય તો જીવન જીવવાનું ગમતું નથી,
કોઇ અર્થ પણ નથી. કુમુદબેન તેમના જીવનના છેલ્લા બે વર્ષમાં સાવ પથારીવશ થઇ ગયા, તે
તેમને જરાય પસંદ પડતું ન હતું અને ક્યારેક મૃત્યુને વ્હાલું કરી આપો એવી માંગ પણ
કરતા રહેતા. સ્વાભાવિક છે કે આખી જીંદગી રાજકારણ અને ખેતરમાં ગાળી હોય તેને
પથારીવશ જીવવાનું તે કેમ ફાવે ?
જીવન મઝાનું છે, પરંતુ તે સંતોષથી અને તણાવ વિના જીવવાનું
થાય તો, નહીંતર એ બોજારૂપ થઇ જાય. આયુષ્યની વાત કરીએ તો મોટા ભાગના લોકો વધતી વય
સાથે નિરસ જીવન જીવતા રહે, તેમના જીવનમાં ફક્ત વર્ષો ઉમેરાતા રહે અને આયખુ ખૂટે
ત્યારે વિદાય લેતા હોય છે. પરંતુ નિવૃત્તિમાં પણ પ્રવૃત્ત રહે એ વ્યક્તિ જ આનંદથી
જીવી શકતો હોય છે. આ તમામ વાતો બીજાને જોતા રહીને સમજાતી હોય છે, છતાં પોતે કઇ
રીતે જીવશું એ કશું કહેવાય એમ નથી. એ સંજોગોમાં જીવનના પાંચ દાયકા પૂરા થઇ ગયા બાદ
પાછલા વર્ષો માટે તૈયારી કરવાની હોય છે. એ તૈયારી જેટલી સારી રીતે અને આયોજનબદ્ધ
રીતે થાય તો જીવનનો અંતિમ પડાવ બહુ સારી રીતે જીવાતો હોય છે. એવું થાય તો ધરતી પર
પોતે સૌથી વધુ ખુશનસીબ ગણાય.
જીવનના અનેક પાસા હોય છે અને તે રહસ્યમાં વીંટળાયેલા છે,
તેથી હવે પછીના વર્ષો કેવા જશે એ કહી શકાય નહીં. છતાં બધાને જ લાંબુ જીવવાનું
ગમતું હોય છે. પરંતુ બધા સદી ફટકારી શકતા નથી. પરંતુ કેટલાક સ્થળો એવા પણ છે,
જ્યાં રહેતા લોકો શતાયુ બનતા હોય છે. ફક્ત જીવતે શરદઃ શતમ એવા આશીર્વાદથી લાંબુ
જીવી શકાય નહીં. પરંતુ કોસ્ટરિકાનું નિકોયા, ઇટાલીનું સાર્ડીનિયા, ગ્રીસનું
ઇકારિયા, જાપાનનું ઓકિનોવા અને કેલિફોર્નિયાના લોમ્બા લિંડા નગરો એવા છે, જ્યાં
લોકો સો વર્ષ જીવતા હોય છે. આ છ નગરોના લોકો કઇ રીતે શતાયું થતા હોય છે, એ અંગે પણ
સંશોધન થયા છે. આ છ વિસ્તારોને બ્લુ ઝોન તરીકે ઓળખવામાં આવે છે. અહીંના લોકોની
સરેરાશ વય દુનિયાના બીજા વિસ્તારોના લોકોના સરેરાશ આયુષ્ય કરતાં લાંબી હોય છે. આ લોકો
કેમ લાંબુ જીવન કેમ જીવે છે, એ અંગે ડૈન બ્યુટેનરે એક પુસ્તક પણ લખ્યું છે. એ
પુસ્તકમાં લાંબા આયુષ્ય પાછળના કેટલાક રહસ્ય ઉકેલ્યા છે. પહેલું કારણ એ અપાયું છે
કે જે લોકો ભુખ હોય તેના કરતાં 80 ટકા જ પેટ ભરે તે લાંબુ જીવી શકે છે. ઓછું
ખાવાથી આપણા ડીએનએમાં નુકશાન કરે એવા પરિવર્તન આવતા નથી. વળી જો શાકાહારી ભોજન લો
તો આપણી પાચન ક્રિયા પર તેની સકારાત્મક અસર પડે છે. તે પણ લાંબા આયુષ્ય માટે એક
મહત્વનું પરિબળ બની રહે છે.
બ્લુ ઝોનના લોકોમાં બીજી એક જીવન શૈલી જોવા મળી કે, તેમનું
સામાજિક જીવન ખૂબ જ મજબૂત હોય છે. મિત્રતા કે સામાજિક સબંધ આપણી માનસિક અને
શારીરિક ગતિવિધિ માટે ખૂબ જ સારા હોય છે. સારા સબંધો તમારા તણાવ ઓછા કરતા હોય છે
અને તણાવ જીવનમાં ઓછો હોય એમ સારૂં જીવન જીવી શકાતું હોવાનું તો તબીબી રીતે પણ
પુરવાર થયું છે. વળી તણાવ દૂર કરવો હોય કે સામાજિક સબંધ મજબુત કરવા હોય તો ધાર્મિક
આસ્થા પણ મહત્વની છે. આ પુસ્તકમાં એવું તારણ કાઢવામાં આવ્યું છે કે જો તમે પરેશાન
હોવ અને ધર્મની શરણે જાવ તો તમારૂં આયુષ્ય પાંચ વર્ષ વધી જાય છે ! આસ્થા સારી
બાબત છે, પરંતુ તે ધર્માંધ બનાવી ન દે તેની પણ કાળજી રાખવી જોઇએ.
ચા કે કોફી પણ તમારા આયુષ્યને લાંબુ બનાવે છે ! ચા કે કોફીમાં
મેગ્નેશિયમ, પોટેશિયમ, નિયાસીન અને વિટામીન ઇ હોય છે, તેને કારણે દિવસ દરમ્યાન ચા
કે કોફી થોડી થોડી પીતા રહેવાથી પણ હૃદયની બિમારી ખાસ થતી નથી. વળી આ પીણાં ટાઇપ 2
ડાયાબિટીસથી પણ બચી શકાય છે. એ ગરમ પીણાંથી આહાર પચાવવાની ક્ષમતી બહેતર થાય છે. એ
સાથે સાથે ઓછી કેલરીવાળો આહાર, ફળ અને શાકભાજી વધુ હોય તો તે સમતોલ આહાર બની રહે
છે.
આહારમાં વિટામીન એ, વીટામીન સી અને વીટામીન ઇ હોય એવો આહાર
શરીર માટે ફાયદેમંદ હોય છે. આ પ્રકારના આહારથી પોટેશિયમ મળે છે, જે બ્લડ પ્રેશર
ઓછું કરે છે. શક્કરિયામાં ફાઇબર વધુ હોય છે, તેથી પેટ ચોખ્ખું રહે છે. એ સાથે
કડવાશ આપતા ફળો ડાયાબિટીશ જેવી બિમારીથી બચાવે છે. જાપાનના લોકો કડવું તડબૂચ ખાય
છે, આપણે ત્યાં જાંબુ ડાયાબિટીશથી બચાવવા માટે ઉપયોગી છે.
ઉપરાંત તમે ક્યાં રહો છો, એ પણ મહત્વનું હોય છે. જો તમે
પ્રકૃતિના સાંનિધ્યમાં રહેતા હોવ તો તેની સકારાત્મક અસર તમારા મન અને શરીર પર પડે
છે, તેથી કુદરતી સૌંદર્ય વેરાયેલું હોય એવા વિસ્તારમાં રહેવાથી પણ ફાયદો થાય છે.
ઉપરાંત ખેતી જેવા કામો તમને શારીરિક વ્યાયામ કરાવતા હોવાને કારણે શારીરિક રીતે
તમને ફાયદો કરનારા હોય છે. વળી ગ્રીસના ઇકારિયા વિસ્તારમાં લોકો એક ઝરણાનું પાણી
પીતા રહે છે. ગ્રીસના લોકો એ ઝરણાને અમરતાનું ઝરણું કહે છે. એ ઝરણાના પાણીમાં
હળવું કિરણોત્સર્ગ મળી આવે છે. જો કે વિજ્ઞાનની એરણે એ હજુ પુરવાર થયું નથી કે
હળવા રેડિએશનથી શરીરને કોઇ ફાયદો થાય છે.
મતલબ કે લાંબા આયુષ્ય માટે કોઇ એક પરિબળ જવાબદાર હોતું નથી.
અનેક કારણો તમને શતાયુ બનાવતા હોય છે. પરંતુ બ્લુઝોનના 6 વિસ્તારના લોકોની
રહેણીકહેણી જોઇને એમ કહી શકાય કે ઓછું ખાવું, ફળ અને શાકભાજીનો આહારમાં વધુ ઉપયોગ
કરવો, ચા કોફી પીવી અને ભગવાનની નજીક રહેવાથી તમે નિરાંતે જીવી શકો અને એ જીવન
લાંબુ હોય એવી સંભાવના વધુ હોય છે. તો ચાલો, આપણે આ પરિબળોમાંથી કેટલાનો અમલ કરી
શકીને લાંબુ આયખુ મેળવી શકીએ ?

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો