ખુશ રહેવા ખુશવંત સિંહની આ ટીપ્સ થશે ખૂબ ઉપયોગી
ખુશ રહેવા ખુશવંત સિંહની આ ટીપ્સ થશે ખૂબ ઉપયોગી
સુખી રહેવું કે ખુશ રહેવું શક્ય છે ખરૂં ? લોકો ખુશ રહેવા
કે સુખી થવા માટે આખી જીંદગી હડી કાઢતા હોય છે. આખી જીંદગી સુખ નામના મૃગજળ પાછળ
ભાગતા રહે છે. એન્ડ ઓફ ધ ડે, સવાલ એ જ રહે કે શું હું ખરેખર સુખી છું ખરો ? જીવનમાં ખુશીની
લહેર છે ખરી ? સુખી થવા માટે કોઇ ફોર્મ્યુલા ખરી ?
સ્વાભાવિક છે કે બે ચાર દિવસથી કોઇ ભુખ્યું હોય અને તેને
સુકો રોટલો મળી જાય તો પણ તેને પકવાન મળ્યા હોય એવી ખુશી થઇ જાય અને પકવાન ખાવા
મળતા હોય તેને પકવાનને બદલે રોટલો પીરસાય તો તે દુઃખી દુઃખી થઇ જાય, સુકો રોટલો
એકને સુખ આપે તો એ જ રોટલો બીજાને દુઃખી દુઃખી કરી નાંખે. એ જોતાં આનંદમાં રહેવા માટેની ટીપ્સ આપવી કેટલી મુશ્કેલ
લાગે, છતાં એ હિંમત જાણિતા પત્રકાર ખુશવંત સિંહે કરી છે. તેમણે સુખ પામવા માટેની
કેટલીક ટીપ્સ આપી છે. આપણા જેવા સાંસારિક માણસ માટે તો એ ટીપ્સ જ ઘણી ઉપયોગી થઇ
પડે એવી છે ! તેમણે દસ ટીપ્સ આપી છે, જે તમે અપનાવો તો સુખના સાગરમાં મહાલતા થઇ જાવ. એકે એક
ટીપ્સ ખૂબ ઉપયોગી છે. એ કારણથી જ તેની વિગતે ચર્ચા કરવી પડે.
ખુશવંત સિંહ કહે છે કે પહેલું સુખ તે જાતે નર્યા. કોરોનાએ
દેખાડી દીધું છે કે સ્વાસ્થ્ય સારૂં ન હોય તો પૈસા પણ કામ આવતા નથી. લાખ્ખો
ખર્ચીને પણ સ્વધામ પહોંચનારાઓની સંખ્યા ઘણી છે. સ્વાસ્થ્ય સારૂં ન હોય તો વિના
કોરોનાએ પણ લાશ ગંગામાં વહેતી થઇ જાય. ગમે એટલું સુખ હોય તો પણ સ્વાસ્થ્ય સારૂં ન
હોય તો આનંદ માણી શકાતો નથી. કેટલાય લોકોનો અનુભવ છે કે પૈસા ન હતા, ત્યારે પકવાન
ખાવાનું મન થતું, પણ પૈસા આવ્યા ત્યારે ડાયિબિટીશ એવો ઘર કરી ગયો કે પકવાન ખાઇ
શકાતા નથી. કોઇ પણ ક્ષેત્રની સફળતા સ્વાસ્થ્ય વિના ઝાંખી પડી જતી હોય છે, તેથી જ
જીવનના છેલ્લા દિવસ સુધી સ્વાસ્થ્ય સારૂં રહે એ દિશામાં સતત પ્રયાસ કરતા રહેવું
જોઇએ. ખુશવંત સિંહ માને છે કે સ્વાસ્થ્ય જેટલું જ બેન્ક બેલેન્સ પણ સારૂં હોય તો જ
સુખી થઇ શકાય. ભલે ગમે એટલું મન મનાવીએ પણ પૈસા વિના તો એક ડગલું પણ ભરી શકાતું
નથી. આખી જીંદગી તમે પૈસા કમાવા મહેનત કરીને જીવી શકો, પરંતુ પાછલી જીંદગીમાં તો
બેન્ક બેલેન્સ જ કામ આવે. આપણે ત્યાં સોશ્યલ સિક્યોરિટી નથી, તેથી પાછલી અવસ્થામાં
છોકરાઓ ઉપર નિર્ભર થઇને બોજારૂપ બનો તેના કરતાં બેન્કમાં જમાપૂંજી હોય તો નિરાંતે
મનફાવે એ રીતે જીવી શકાય. પરંતુ બેન્ક બેલેન્સ તગડું હોય એ માટે આખી જીંદગી ઘસી
કાઢવી પડતી હોય છે અને બેલેન્સ થઇ જાય ત્યારે શરીર દગો દઇ જતું હોય છે. આપણે ત્યાં
આ બંને ટીપ્સનો મેળ ખાસ પડતો નથી, એવો ઘણાને અનુભવ થતો હોય છે. છતાં તમારે આનંદ
પામવો હોય તો પૈસા તો ધરખમ હોવા જ જોઇએ.
ત્રીજી ટીપ્સ આપતાં ખુશવંત સિંહ કહે છે કે ઘર તો તમારૂં
પોતાનું જ હોવું જોઇએ. એ વિના આખી જીંદગી ભાડું ભરતા રહીએ તો એમાં આનંદનો ઓડકાર
ક્યારેય આવતો નથી. જો પોતાના ઘરની સાથે સાથે નાનકડો બાગ હોય તો તો સોને પે સુહાગા
જ ગણાય. બાગકામ તમને કુદરતની નજીક રાખે છે અને તેને કારણે સ્વસ્થ પણ રહેવાય છે. ફૂલછોડ
કે વૃક્ષો તો તમારા સંતાન જેવા જ થઇ પડે, તેમને ઉછેરવામાં સંતાનના બાળપણ યાદ આવી
જાય અને તે યાદ તમને આનંદથી ભરી દે. આ ત્રણે સુખ હોય પણ જો જીવન સાથી કકળાટ કરનારો
હોય તો જીવન દોહ્યલું બની જાય. જીવનસાથી સમજણ ધરાવતો હોવો જોઇએ. જો જીવન સાથી સાથે
ઘણી ગેરસમજ હોય તો તે તમારા મનની શાંતિ હણી લે. જો એવું હોય તો એ મિત્ર કે
જીવનસાથીથી અલગ થઇ જવું બહેતર થઇ પડતું હોય છે. સતત સાથે રહીને ઝઘડતા રહેવાને બદલે
મનની શાંતિથી રહેવાની મઝા જ કંઇક ઓર છે.
ખુશવંત સિંહ એમ પણ કહે છે કે બીજાની ગોસિપનો વિષય ક્યારેય
બનવું નહીં. જો કે કેટલાના મોઢે ગરણાં બાંધી શકો ? એ તો ખેર,
પરંતુ સિંહ એક બહુ મજાની ટીપ્સ આપે છે. તેઓ કહે છે કે જીવનમાં કોઇ શોખ કે હોબી
અવશ્ય કેળવો. બાગકામ, વાંચન, લેખન, ચિત્રકામ, ગીત ગાવા કે સાંભળવા કે
સેલિબ્રિટીઓને મળવું એવી કેટલીય હોબી છે, જે તમારે કેળવવી જોઇએ. મતલબ કે જીવનમાં એ
શોખ તમને અર્થપૂર્ણ રીતે કંઇક કરવામાં બીઝી રાખે છે. એ ઉપરાંત દરરોજ સવાર- સાંજ
પંદર મિનિટ તમારી જાત સાથે વાત કરીને મૂલ્યાંકન કરતા રહો. સવારે દસ મિનિટ મૂલ્યાંકન
કરીને પાંચ મિનિટ દિવસ દરમ્યાન કયા કામ કરવા છે, તેનું આયોજન કરતા રહેવું જોઇએ.
જ્યારે સાંજે પાંચ મિનિટ મૂલ્યાંકન કરીને દસ મિનિટ સુધી શું કરવા જેવું હતું, તે
અંગે વિચારવા માટે કાઢવી જોઇએ. એમ કરવામાં ક્યાં કાચું કપાયું, તેનો ખ્યાલ આવી જાય
અને ફરી એ ભૂલ નહીં થાય.
છેલ્લી બે ટીપ્સ વિચારવા જેવી ખાસ છે. ક્યારેય ગુસ્સે ન
થવું. ગુસ્સે થવાને બદલે એ સ્થળ તરત છોડી દો, જેથી તમારું મગજ બગડે નહીં અને
છેલ્લે વિદાય લેવાનો સમય આવે, જીંદગીના છેલ્લા શ્વાસ લો ત્યારે કોઇ ખેદ ન રહે કે
કોઇની સામે ફરિયાદ ન રહે એ રીતે જીવતા શીખો.
બોલો, એમ તો જીવન જીવવાનો આ તો અર્ક છે, પણ એ ટીપ્સનો ઉપયોગ
કેટલા લોકો કરી જાણે છે ? શું તમે આ રીતે જીવન જીવી શકો ખરા, જરા ટ્રાય તો કરી જુઓ...
સારૂં લાગશે...

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો