પાકિસ્તાનની 14 ચોકીઓનો ખાત્મો ભારતીય જવાનોએ બોલાવી દીધો



સર્જિકલ સ્ટ્રાઇક પછી પાકિસ્તાન સાથેની સરહદ સળગતી રહી છે. સતત યુધ્ધવિરામનું ઉલ્લંઘન કરીને પાકિસ્તાની સૈન્ય ભારત ઉપર મોર્ટારમારો તથા અંધાધૂંધ ગોળીબાર કરી રહ્યું છે. ભારતે પણ હવે ઇંટ કા જવાબ પથ્થરથી આપવાનું નક્કી કરી નાંખ્યું છે અને ભારતીય જવાનોની જવાંમર્દી જોવા મળી રહી છે. આતંકવાદને પોસતી તથા સરહદ ઉપર સંઘર્ષ પેદા કરતી પાકિસ્તાનની સૈન્ય ચોકીઓને ફૂંકી મારવાનું કામ કર્યું છે.
પઠાણકોટ અને એ પછી ઉરી ઉપર આતંકવાદી હુમલો થયા પછી પાકિસ્તાન સખણું રહે એમ લાગતું ન હતું. લાતો કે ભૂત બાતો સે માનતે નહીં, એ વાત સમજાઇ ગયા પછી ભારતીય સૈન્યને લીલી ઝંડી દેખાડી દેવામાં આવી હતી. પૂરતી તૈયારી થઇ ગઇ અને આતંકવાદી છાવણી સિવાય નાગરિકોને હાની ન પહોંચે એ રીતે વ્યૂહ ઘડી દઇને ભારતીય સૈન્યના જવાનોએ સર્જિકલ સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનને ચોંકાવી મૂક્યું હતું. કદાચ, પાકિસ્તાને એવા વળતા જવાબની અપેક્ષા રાખી નહીં હોય. પરંતુ વડાપ્રધાન મોદીનો મેજિક છવાઇ ગયો હતો. અઢી વર્ષ સુધી મોદીએ પાકિસ્તાન સાથે મિત્રતા માટે ઘણા પ્રયાસ કર્યા હતા. પરંતુ પાડોશીઓને ભારત સાથે મૈત્રી ખપતી ન હતી. એ સંજોગોમાં પાકિસ્તાન જે ભાષામાં જવાબ સમજે એ જ ભાષામાં જવાબ અપાય એ મોદી મનથી નક્કી કરીને બેઠા હતા. તકની રાહ જોતા હતા. ભારતે ક્યારેય સંઘર્ષ ઇચ્છ્યો નથી. સામેચાલીને વહોરી લેવાની ભારતની આદત નથી. પાકિસ્તાન જ હંમેશા ભારતને યુધ્ધમાં ઘસડી જતું રહ્યું છે. આતંકવાદની પીડા પણ પાકિસ્તાન ભારતને આપતું રહ્યું છે. નહિંતર ભારત તો શાંતિથી રહેવા ઇચ્છે જ છે. ઉરી ઉપરના આતંકવાદી હુમલા પછી મોદીને તક મળી ગઇ અને પાકિસ્તાનને એક જ રાતમાં જવાબ મળી ગયો. પરંતુ પડયા પછી પણ તંગડી ઉંચી હોય એમ સર્જિકલ સ્ટ્રાઇક પછી પાકિસ્તાની સૈન્ય યુધ્ધવિરામનો ભંગ કરતું રહ્યું છે.
સતત ગોળીબાર કરીને પાકિસ્તાન સરહદે ગરમી પેદા કરી રહ્યું છે. વળી પાકિસ્તાને તમામ શરમ નેવે મૂકીને ગોળીબાર કે મોર્ટારમારો કરવા માંડ્યો છે. પાકિસ્તાની સૈન્ય સતત ભારતીય પ્રજાને ટાર્ગેટ બનાવી રહી છે. રહેણાંક વિસ્તારને તે નિશાન બનાવી રહ્યું છે, તેને કારણે તે યુધ્ધ નિયમોનું ભંગ કરી રહ્યું છે, પણ જેણે લાજ નેવે મૂકી હોય, તેને કયા નિયમો લાગે ? છતાં ભારતે આટલા દિવસોમાં ક્યારેય પાકિસ્તાની પ્રજાને નિશાન બનાવી નથી. સર્જિકલ સ્ટ્રાઇકમાં પણ આતંકવાદી છાવણીઓને જ લક્ષ્ય બનાવીને હુમલા કરાયા હતા, જેમાં સાત છાવણી તબાહ કરી દેવાઇ હતી. આતંકવાદીઓએ લોન્ચિંગ પેડ પરથી ભાગવું પડ્યું હતું. એ પછી પાકિસ્તાને તો સતત એવો કોઇ જ હુમલો થયો નથી, એવું કહેવા માટે પત્રકારોને પણ એ વિસ્તારમાં લઇ ગયું હતું. પાછળથી તેને સમજાઇ ગયું કે જુઠ્ઠાણું ટકવાનું નથી, તેથી તેણે એ મૂંગા મોઢે સ્વીકારી લીધું અને વળતા જવાબરૂપે સરહદ પારથી ગોળીબારો કરવા શરૂ કર્યા છે.

ભારતીય જવાનો એ હુમલો ખાળવામાં શહિદ થઇ રહ્યા છે, કેટલાય સિવિલિયનોના મોત પણ થયા છે. ખાસ કરીને મહિલાઓ અને બાળકો પાકિસ્તાનના હુમલાનો ભોગ બની રહ્યા છે, પણ પાકિસ્તાનને જરાય શરમ આવતી નથી. પાકિસ્તાનમાં અત્યારે સૈન્યના વડાની વરણી થવામાં છે, ત્યારે જતાં જતાં વર્તમાન સૈન્ય વડા રાહિલ શરીફ ભારતને કેવો જવાબ આપ્યો હતો, એવો હૂંકાર કરવાના અહમમાં બળતામાં ધી નાંખી રહ્યા છે. પરંતુ ભારતે હવે એ સહન કરવાનું માંડવાળ કર્યું છે. નુકશાનના ભોગે કાંઇ શાંતિની વાત ન થાય. ભારતીય સૈન્યને પણ લીલી ઝંડી દેખાડી દેવાઇ છે અને તેથી જ એક બે નહીં પૂરી 14 સૈન્ય ચોકીઓનો ખાત્મો ભારતીય જવાનોએ બોલાવી દીધો છે. એ સાથે જ વડાપ્રધાન મોદી, સરંક્ષણ મંત્રી પરિકર, ગૃહમંત્રી રાજનાથસિંહ અને અજિત ડોવલે લશ્કરના વડા સાથે મંત્રણા પણ કરી છે, જેને પગલે આવનારા દિવસોમાં પાકિસ્તાનને વધુ આકરો જવાબ આપવાની તૈયારી શરૂ થઇ હોવાના સંકેત મળી રહ્યા છે. આવનારા દિવસોમાં કાશ્મીરમાં પણ મોદી સરકાર પગલાં લેશે એમ લાગી રહ્યું છે. 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

જમાઇ રાજા વાડ્રા માટે દિવસો ભારે આવી રહ્યા છે

મોદીનું ટીટ ફોર ટેટ – પાકિસ્તાનને ચીટીંયો ભર્યો

જયારે સિંગાપોરના તારનમે મોદી તથા તેમના મંત્રીઓને પાઠ ભણાવ્યા