એકવાજેનિક અર્ટિકેરીયાઃ વિશ્વમાં ફકત 32 લોકોને પીડતી અનોખી બિમારી



આપણે બાળપણમાં ભણતા આવ્યા છીએ કે જીવવા માટે હવા,પાણી અને ખોરાકની જરૂર પડે છે. આ ત્રણ વિના જીવન સંભવ નથી. પાણી તો આપણે જાણીએ જ છીએ કે ન મળે તો આપણે કેવા બેબાકળા થઇ જઇએ છીએ. પરંતુ વિશ્વમાં એવા ફક્ત 32 લોકો છે, જેઓ પાણીનું એક ટીપું પણ સહન કરી શકતા નથી ! 
હા, તેમને 23 કરોડ લોકોમાંથી એકને થતી પાણીની એલર્જી છે. પાણી તો જીવન ગણાય છે, જ્યારે કેટલાક લોકો માટે પાણી એટલે દર્દ ગણાય છે. હા, તમે સાચુ જ વાંચ્યું છે. કેટલાક લોકોને પાણીની પણ એલર્જી છે. આજે તો વિજ્ઞાનીઓ પણ જીવન શોધવા માટે બીજા ગ્રહો ઉપર પાણી છે કે નહીં તેની પહેલી તપાસ કરે છે. જો પાણી હોય તો જ જીવનની શક્યતા છે. એમાં આશ્ચર્ય પામવાની જરૂર નથી કેમકે આપણા શરીરમાં પણ પાણી ઘણું હોય છે. 70 કિલોગ્રામ વજનવાળી વ્યક્તિના શરીરમાં 40 લીટર પાણી હોય છે. મતલબ કે આપણા શરીર કરતાં અડધું તો પાણી જ હોય છે. જ્યારે આપણા શરીરમાં આટલું પાણી હોય ત્યારે પાણી કેટલું મહત્વનું છે, એ કહેવાની પણ જરૂર રહે ખરી. પરંતુ કેટલાક લોકોને માટે પાણી જાણે પનોતી બની ગઇ હોય છે. આ બિમારી વળગે તો તે પરેશાન કરતી હોય છે. એલર્જી તો કોઇ પણ હોય પરેશાન કરે જ, પરંતુ અહીં તો જીવન ગણાતું પાણી જ વેરી બને ત્યારે શું કરાય ?
પાણીની એલર્જી થઇ હોય એવી વ્યક્તિના કેવા બેહાલ થઇ જતા હશે, એની કલ્પના તો કરી જુઓ. તમે રડી પણ ન શકો અને રમત રમીને કે કસરત કરીને પરસેવો પણ પાડી ન શકો ! પરસેવો પણ રેલાવા માંડે એટલે શરીર ઉપર બળતરા થવા માંડે. એ બળતરા થાય એટલે ભુલેચુકે રડવાનું આવી ગયું તો એ આંસું પણ તમને વધુ બળતરા આપનારા જ નીવડે. પાણી તો જીવન છે, ત્યારે તેની તો કાંઇ એલર્જી હોઇ શકે૟ આશ્ચર્ય ભલે લાગે, પણ એ વાત સાચી છે. આ અંગે સંશોધનો પણ થઇ રહ્યા છે. એક થીયરી મુજબ તો એમ મનાય છે કે આપણી ચામડીનું ઉપરનું જે પડ છે, તે મહદઅંશે મૃત કોષોનું બનેલું હોય છે. ચામડીને નરમ રાખવા માટે તેમાં ચીકણાશ રહે એવું એક પડ પણ હોય છે. આ ગ્રંથિ ચીકાશ પેદા કરતી રહે છે. આ પડ ઉપર પાણી પડે ત્યારે કેટલીક વ્યકિતમાં ત્યાં ટોક્સિન પેદા થાય છે, જે તમારી રોગ પ્રતિકાર શક્તિનું રીએકશન પેદા કરે છે. આ થીયરી મુજબ ચામડીના મૃત કોષોનું જે પડ હોય છે, તેના ઉપર પાણી પડે ત્યારે ત્યાં રાસાયણિક રીએક્શન પેદા થાય છે, જે અંદર જઇને રોગ પ્રતિકાર રીએકશનને પેદા કરે છે, જે બળતરાની અનુભૂતિ પેદા કરે છે. યુરોપિયન સેન્ટર ફોર એલર્જી ફાઉન્ડેશનના ચામડી નિષ્ણાંત માકર્સ મોરર કરે છે કે આ બિમારી એવી છે કે જેને કારણે દર્દીની આખી જીંદગી દોઝખ બની જતી હોય છે. આપણી ચામડીમાં પણ માસ્ટ સેલ એટલે કે રોગપ્રતિકાર કોષો આવેલા હોય છે, જે બળતરા થાય એવા હાઇ હિસ્ટામાઇન પ્રોટીન પેદા કરે છે. સામાન્ય રીતે આ કોષો ઉપયોગી થાય છે કે કેમકે કોઇ રીએકશન થાય ત્યારે પહેલી જાણ એ ચામડી જ કરતી હોય છે, તેના કારણે કોઇ એલર્જી થાય તો તેની જાણ ચામડી પરથી તરત થઇ જાય છે. ક્યારેક સતત ખંજવાળ આવે ત્યારે પણ કોઇ એલર્જી થઇ હોવાના સંકેત મળી જતા હોય છે, તો ક્યારેક ચામડી ઉપર ચકામા પડી જતા હોય છે અને તેથી પણ તેનો ખ્યાલ આવી જતો હોય છે. પરંતુ પાણીની એલર્જી હોય ત્યારે હિસ્ટેમાઇન પ્રોટીન સતત તમને પીડા આપતું થઇ જતું હોય છે . શરીરને પાણીથી કેટલુંક બચાવી શકાય ?
પાણી પીવું તો પડે જ ને એ વખતે પણ તમારા શરીરમાં બળતરા થતી હોય તો પછી ફિલ્મ અમર પ્રેમનું પેલું  ગીત છે કે પાની જો આગ લગાયે તો ઉસે કોન બુઝાયે એમ પાણી જ જલન કરતું હોય તો તેનો તો ઉપાય શો થઇ શકે ! કેમકે પાણી તો ડગલે ને પગલે આપણા જીવન માટે ઉપયોગી છે. આ  દર્દીઓની કમબખ્તી તો એ કે આ એલર્જીની દવા શોઘવા માટે કોઇ તૈયાર થતું નથી ! સ્વાભાવિક છે કે આ એલર્જી માટે દવા શોધવી હોય તો એ માટે જુદા જુદા પ્રયોગો કરવા પડે એ માટે દર્દીઓ પણ મળવા જોઇએ ને ? ઉપરાંત દવાની કંપનીઓ પણ જેમાંથી ધૂમ કમાણી થાય એવા રોગોની જ દવા શોધવા પાછળ કરોડો ખર્ચી નાંખતી હોય છે. આ એલર્જીના તો વિશ્વમાં માંડ 32 દર્દીઓ છે, ત્યારે દવા વેચાય વેચાયને પણ કેટલી વેચાય ? એને માટે તો વળી તેના સંશોધન પાછળ કરોડો ખર્ચ કરવા કઇ દવા કંપની તૈયાર થાય એ કારણથી જ હજુ આ પાણી સાથે વેર બાંધી બેઠેલા લોકો માટે હજુ કોઇ ખાસ દવા શોધાઇ નથી. પરંતુ જેમ વાયગ્રા દવાની શોધ તો સાવ અચાનક જ થઇ ગઇ હતી, તેમ આ રોગ માટે પણ અત્યારે એક દવા ઉપયોગમાં લેવાય છે. વાયગ્રા દવાનું સંશોધન તો ખરેખર ટાલ ઉપર વાળ ઉગાડવા માટેની દવા તરીકે થતું હતું, પરંતુ જ્યારે તેનું પરીક્ષણ થતું હતું, ત્યારે ઘણા લોકો દવા લેવા માટે વારંવાર આવતા હતા, ત્યારે ખબર પડી કે એ દવા તો સેકસ ટોનિક તરીકે કામ આપતી હતી, તેમ  દમના દર્દીઓ માટે ઓમાલિજુમામ નામની દવા અપાય છે, એ દવા આ દર્દીઓને રાહત આપનારી જરૂર છે, જો કે એ કાંઇ એકવાજેનિક અર્ટિકેરીયા માટેની સ્પેશ્યલ દવા તો ગણી ન શકાય અને જ્યાં સુધી કોઇ સરકાર કે દવા કંપની લાખોમાં એક જેવા આ રોગ માટે અઢળક નાણાં ખર્ચ કરવા તૈયાર ન થાય ત્યાં સુધી એવી દવા શોધાવાની પણ નથી !


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

જમાઇ રાજા વાડ્રા માટે દિવસો ભારે આવી રહ્યા છે

મોદીનું ટીટ ફોર ટેટ – પાકિસ્તાનને ચીટીંયો ભર્યો

જયારે સિંગાપોરના તારનમે મોદી તથા તેમના મંત્રીઓને પાઠ ભણાવ્યા