ભારતીય જવાનોની શૌર્યગાથાની 9 / 11 આપણને યાદ નથી રહેતી
આજે 11 સપ્ટેમ્બર... આજે આપણે નાઇન ઇલેવનને યાદ કરી લઇએ છીએ. યસ્સ નાઇન ઇલેવન
એટલે અમેરિકાના world ટ્રેડ સેન્ટર ઉપર થયેલા આતંકવાદી હુમલાની વરસીની અહીં વાત
કરવી નથી. આપણા નરબંકાઓએ આજે જ ચીનના સિક્કિમ સેકટર ઉપર થયેલા હુમલાનો વળતો જવાબ આપીને ચીનાઓના
દાંત ખાટા કરી નાંખ્યા હતા. સગતસિંહે નાથુ લા ખાલું કરવાનો નન્નો ભણી દઇને ચીનના
સૈન્યનો જે શૌર્યથી જવાબ આપ્યો હતો કે આજે પણ નાથુ લા અને ચો લા આપણા કબ્જામાં છે.
એ શૌર્યગાથાની નાઇન ઇલેવન આપણને યાદ રહેતી નથી, એ પણ કરૂણતા જ કહેવાય ને ? ચીન ઉપરના એ વિજયને આજે પચાસ વર્ષ પૂરા થાય
છે, ત્યારે નરબંકાઓને યાદ કરવાનું આપણને કેમ સુઝતું નથી ?
બરાબર પચાસ વર્ષ પહેલાં ભારતીય જવાનોએ ચીનના લાલ
લશ્કરને ઊભી પૂંછડીએ ભગાડ્યું હતું, એમ કહીએ તો કદાચ આજે સૈાને નવાઇ લાગે. 1962માં
ચીન સામે ભારતના પરાજય પછી પાંચ જ વર્ષમાં ચીનને આપણા નરબંકાઓ હરાવી જાય એ નવાઇ
લાગે એવી તો વાત છે જ. હા, નાથુ લા અને ચો લા, એમ સિક્કિમની સરહદે આવેલા બે ઘાટ
ઉપર ભારતીય સૈનિકોએ ચીનને ઠમકોરી નાંખ્યું હતું. પાંચ વર્ષ પહેલાંના ચીનના વિજયના
નશાને ઉતારી નાંખ્યો હતો. પરંતુ કમનસીબે આપણે ચીન સામેના 196ના યુધ્ધમાં થયેલા
પરાજયની કડવી યાદ સંઘરીને બેઠા છે, પણ ભાગ્યે જ કોઇ આપણા શૂરવીરોની આ વિજયગાથા
જાણે છે.
નાથુ લા શબ્દ તિબેટીયન ભાષાનો છે અને તેનો અર્થ
થાય છે – નાથુ એટલે સાંભળતા કાન અને લા એટલે ઘાટ. મતલબ કે કાન જેવો ઘાટ એટલે નાથુ
લા. નાથુ લા સમુદ્રની સપાટીએથી 4310 મીટર એટલે કે 14140 ફૂટ ઊંચાઇએ આવેલું છે. સિક્કિમના
પાટનગર ગેંગટોકથી પૂર્વમાં 54 કિલોમીટર દૂર નાથુ લા આવેલું છે. નાથુ લા જુના
જમાનાના સિલ્ક રૂટ પર આવેલું છે. 1873માં દાર્જિલીંગના ડેપ્યુટી કમીશ્નરે સિક્કિમ
અને તિબેટ વચ્ચેના આ ઘાટના માર્ગના વ્યુહાત્મક મહત્વ અંગે એક રીપોર્ટ બહાર પાડ્યો
પછી નાથુ લાનું વ્યુહાત્મક મહત્વ વધી ગયું હતું.
1962નું યુધ્ધ થયું એ પહેલાં તો તત્કાલિન
વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ તો હિન્દી ચીની ભાઇ ભાઇના નારા લગાવતા હતા. કદાચ, એ વખતે
ચીન સામ્યવાદી હોવાને કારણે જવાહરલાલને પણ સમાજવાદનું ભૂત માથે ચઢી ગયું હતું. એ
કારણથી જ તેમને ચીન પ્રત્યે વધુ પ્રેમભાવ ઉભરાઇ ગયો હોય. પરંતુ ચીન તો આજે પણ
જમીનભુખ્યું છે, તે વખતે પણ તેની દાનત સારી ન હતી અને તેથી જ સરહદી વિસ્તાર પડાવી
લેવા માટે જ ભારત સાથે તે જંગ ચઢ્યું હતું. કેટલાક વિશ્લેષકો માને છે કે ભારતે
તિબેટને સાથ આપવા માંડયો, તેથી અકળાયેલા ચીને ભારત ઉપર આક્રમણ કર્યું હતું
1962માં ચીનના હાથે પરાજય, 1964માં વડાપ્રધાન
જવાહરલાલ નહેરૂનું અવસાન, 1965માં પાકિસ્તાન સામે યુધ્ધ અને એ પછી વડાપ્રધાન બનેલા
લાલ બહાદુર શાસ્ત્રીનું 1966માં અવસાન. ભારતમાં એક પછી એક એવી ઘટનાઓ આકાર લેતી હતી
કે જાણે ભારત પાસે નેતાગીરીનો દુકાળ પડયો ન હોય. બબ્બે યુધ્ધને કારણે આર્થિક
બેહાલી પણ મોં ફાડીને ઊભી હતી. ભારત એ વખતે આર્થિક રીતે એવું સક્ષમ ન હતું કે
બબ્બે યુધ્ધનો ખર્ચ વેઠી શકે. બબ્બે વડાપ્રધાનોના મૃત્યુ થયા હતા. આ કારણથી જ
ચીનની દાઢ ફરી સળકી ગઇ.
પોલું જોઇને ઘૂસી જવું એ તો ચીનની ઓળખ હતી.
તિબેટમાં તેણે એવું જ કર્યું હતું અને એ પછી ભારતની સ્થિતિ જોઇને તેને ફરીથી તેનું
સામ્રાજ્ય વિસ્તારવાનો ચસ્કો લાગ્યો હતો, એમ કહી શકાય અને એ ખેલ તેણે 1967માં પાડી
દીધો. નાથુ લા અને ચો લા એ બે ઘાટ એવી ઊંચાઇ ઉપર આવ્યા હતા કે વ્યૂહાત્મક રીતે એ
બંને ઘાટ મહત્વના હતા. ચીને એ મહત્વ પારખી લીધું હતું અને તેથી જ તેના ઉપર કબ્જો
જમાવવા માટે તેણે વ્યુહ ઘડી કાઢયો હતો. એ વખતે ચીનની ખંધાઇ એવી હતી કે બબ્બે
યુધ્ધના આર્થિક ફટકા બાદ ભારત માટે નાનકડું યુધ્ધ લડવું પણ શક્ય ન હતું. વળી યુધ્ધ
લડી શકે એવી નેતાગીરી પણ જણાતી ન હતી. લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન પછી ઇન્દિરા
ગાંધી વડાપ્રધાન બન્યાને માંડ દોઢેક વર્ષ જ થયું હતું, તેથી તેમની શક્તિ પીછાણાઇ ન
હતી. હજુ તેઓ લોખંડી મહિલા બન્યા ન હતા અને શરૂઆત તો તેમની ગુંગી ગુડિયા જેવી થઇ
હતી. એ કારણથી જ તેઓ કોઇ મોટો નિર્ણય લઇ શકે એમાં શંકા હતી. ઉપરથી ચીન સામે તો
ભારતીય સૈન્ય પાંચ વર્ષ પહેલાં જ પરાજિત થયું હતું, તેથી તેના પર મનોવૈજ્ઞાનિક
દબાણ પણ ખરૂં જ. ચીનને થઇ ગયું કે આ સંજોગોમાં ભારત પાસેથી સિક્કિમનું રક્ષણ કરતા
પહાડોને પડાવી લેવાનું આસાન છે.
ચીનની ખરી ખંધાઇ તો એ હતી કે ભારતીય શાસકો ભીરૂ
જ છે, તેથી તેની પાસેથી નાથુ લા અને ચો લા જેવા વ્યુહાત્મક રીતે મહત્વ ધરાવતા ઘાટ
1962ના યુધ્ધમાં કબ્જે લઇ શકાયા ન હતા, તે નાનકડું યુધ્ધ કરીને કબ્જે લઇ લેવા. આ
ગણતરી સાથે ચીને 1966થી તેની તૈયારી કરવા માંડી હતી. અને એ તૈયારીમાં પ્રેમ અને
યુધ્ધમાં બધું ચાલે એમ બધું જ આવી જતું હતું.જો કે ચીનની એક જ ભુલ થતી હતી અને તે
એ કે ચીને ભારતીય જવાનો અને રાજકારણીઓને ભીરૂ માની લીધા હતા. તેની એ ભુલ તેને ભારે
પડવાની હતી, પણ 1962ના વિજયના તોરમાં તેને એ ભુલ દેખાતી ન હતી. સરવાળે તેણે ભારત
પાસેથી સિક્કિમનો આ પહાડી વિસ્તાર પડાવી લેવા માટે શતરંજ ગોઠવી દીધી હતી.
નાથુ લા અને ચો લા કબ્જે કરવાના મનસુબા સાથે
પહેલાં ચીને જપત લા ખાલી કરવા માટે આદેશ કરવા માંડયા અને આપણી સરકારે ભાઇ બાપ
કહીને એ ઘાટ ખાલી પણ કરી આપ્યો હતો. પરંતુ જ્યારે ચીને નાથુ લા અને ચો લા ઘાટ ખાલી
કરવા આદેશ આપ્યો અને એમ નહીં માનો તો 1962ના યુધ્ધ જેવી નાલેશી હાર મળશે એવી ચીમકી
પણ આપી અને આપણા શાસકો એ એ બંને ઘાટ ખાલી કરી દેવા માટે સ્વીકાર પણ કરી લીધો હતો.
પરંતુ સગત સિંહે નાથુ લા ખાલી કરવાનો ધરાર ઇન્કાર કરી દીધો અને ચીનના મજ્જાતંતુના
યુધ્ધથી શરૂ થયેલા યુધ્ધમાં છેલ્લે ચીનાઓને બંદૂકના કૂંદે ધબેડી નાંખીને ભગાડી
મૂક્યા હતા.આ શૌર્યગાથાને બદલે આપણે અમેરિકાના નાઇન ઇલેવનની યાદ જ તાજી કરીએ એ તો
કમનસીબી જ કહેવાય ને વીસ દિવસનું આ યુધ્ધના ભારત વિજયની આપણને કોઇ કિંમત જ નથી ? વેલ, એ દિવસોમાં ભારતીય જવાનોએ
ચીની સૈન્યને એવો પાઠ ભણાવ્યો કે આજે પણ વિશ્લેષકો માને છે કે ચીને નાથુ લા અને ચો
લામાં જે પરાજય વેઠવો પડયો હતો, તેથી જ ત્યાર પછી તેણે ભારત સાથે યુધ્ધમાં ઉતરવાની
હિંમત કરી નથી.
નાથુ લા અને ચો લાના એ નરબંકાઓને સલામ....

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો