દિવ્યાંગ મરીયપ્પને ભારતને સુવર્ણ ચંદ્રક અપાવ્યો


મરીયપ્પન.. જી હાં મયપ્પન નહીં. મયપ્પન તો આઇપીએલનો મોટ્ટો ખેલાડી હતો, તેની વાત અહીં નથી. અહીં તો મરીયપ્પનની વાત કરવી છે. મરીયપ્પન એટલે મરીયપ્પન થંગાવેલુ. એક પગ ગુમાવવા છતાં રીયો ખાતે હાલમાં ચાલી રહેલી પેરાલિમ્પિકમાં ઊંચા કૂદકાની સ્પર્ધામાં દેશ માટે સુવર્ણ ચંદ્રક જીતી લાવ્યો છે.
રીયો ખાતે હાલમાં જ સમર ઓલિમ્પિક પૂરી થઇ છે. ભારતે ઓલિમ્પિકના ઇતિહાસમાં અત્યાર સુધીમાં સૈાથી વધુ ખેલાડીઓ મોકલ્યા હતા. પરંતુ આ ખેલાડીઓમાં બે મહિલા ખેલાડીઓ – પી.વી.સંધુ અને સાક્ષી મલિક સિવાયના તમામ ખેલાડીઓ ખાલી હાથે પાછા ફર્યા છે. હવે એ જ રીયોમાં દિવ્યાંગો માટેનો ઓલિમ્પિક શરૂ થયો છે. પેરાલિમ્પિકના બીજા જ દિવસે ભારતના મરીયપ્પન થંગાવેલુએ ભારતને સુવર્ણ ચંદ્રક અપાવ્યો છે.
મરીયપ્પનની વાત પણ અનેરી છે. અત્યારે 21 વર્ષનો મરીયપ્પન જ્યારે માંડ પાંચ વર્ષનો હતો. એ વખતે બીજા બાળકોની જેમ એ પણ ઘરની બહાર રસ્તા ઉપર રમતો હતો.  એ વખતે એક સરકારી બસે તેને અડફટે લીધો અને તેમાં તેણે પગ ગુમાવવો પડયો. સરકારી બસ હોવા છતાં મરીયપ્પનને હજુ સુધી કોઇ જ વળતર મળ્યું નથી. વળતર માટેનો કેસ છેલ્લા દોઢ દાયકાથી વધુ સમય માટે ચાલી રહ્યો છે. આમ છતાં હજુ નીવેડો આવ્યો નથી. પગ ગુમાવ્યા બાદ કોઇ પણ પરિવાર માટે દીકરો વધુ વ્હાલો થઇ જાય. જો કે પરિવાર ખાસ શ્રીમંત ન હોય ત્યારે દિવ્યાંગ સંતાનને થોડી અગવડ તો વેઠવી જ પડતી હોય છે. આ ગરીબ પરિવાર માંડ પોતાનું પેટીયું રળી લેતો હતો. મરીયપ્પન માંડ દસ વર્ષ પુરા કરે તે પહેલાં જ તેના પરિવારે વધુ એક ફટકો વેઠવો પડયો હતો.
તામિલનાડુના પાટનગર ચેન્નાઇથી 340 કિલોમીટર દૂર આવેલા સાલેમ જિલ્લાના પેરિયાવાદગમપટ્ટી ગામમાં મરીયપ્પન મોટો થતો હતો, ત્યાં જ તેના પિતા પરિવારને છોડીને જતા રહ્યા. જો કે માતા સરોજ હિમંત હારી નહીં. સાઇકલ પર શાકભાજી વેચીને અને છુટક મજુરી કરીને તેણે મરીયપ્પનને હિમંત બંધાવી અને વિકાસ કરવો હોય તો શિક્ષણ જરૂરી છે, એ સમજ્યા પછી માતા કયા દીકરાને અભણ રાખે ? સરોજે પણ પેટે પાટા બાંધીને પણ મરીયપ્પનને ભણાવ્યો.ચાર બાળકોની માતા એવી સરોજ સારી કમાણી થાય તો એક દિવસમાં દોઢસોથી બસો રૂપિયા કમાઇ લે છે.મતલબ કે મહિને પાંચેક હજાર કમાય છે, જેમાં 500 રૂપિયા તો તેઓ જે રૂમમાં રહે છે, તેના ભાડાના જ ચૂકવવા પડે છે. એક પગ ગુમાવવા છતાં મરીયપ્પને પણ હિમંત હારી ન હતી અને વિકલાંગતાને પણ મારી હટાવીને તે બિઝનેશ એડમીનીસ્ટ્રેશનમાં ડિગ્રી મેળવી છે. જો કે એ પછી તેને નોકરી મળતી નથી. જો કે ભણતરની સાથે સાથે તેણે રમતગમતમાં પણ સારી એવી મહેનત કરી હતી અને એ જ પરિશ્રમ હવે ફળી રહ્યો છે.
શાળા અને કોલેજમાં ભણવાની સાથે સાથે તેણે રમતગમતનું કૌશલ્ય પણ વિકસાવ્યું હતું. તેણે શાળા અને કોલેજ લેવલે રમતગમતમાં ઘણા મેડલ પણ મેળવ્યા હતા.

મરીયપ્પનનું કૌશલ્ય જોયા પછી બેંગ્લોરના સત્યનારાયણને તેને તાલિમ આપવાનું શરૂ કયુઁ અને આજે તે મહેનત રંગ લાવી છે. એક પગ ન હોવા છતાં મરીયપ્પને એવી તો છલાંગ લગાવી કે તે દેશ માટે સુવર્ણ ચંદ્રક લઇ આવ્યો. એ સાથે જ તેનું દળદર પણ ફીટી જશે. તામિલનાડુ સરકારે તેને બે કરોડના ઇનામની જાહેરાત કરી છે. હવે નોકરી પણ મળી જશે. મન હોય તો માળવે જવાય અને હિમંત હોય તો ચંદ્રક રળાય એવું કહીએ તો ખોટું શું ?

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

જમાઇ રાજા વાડ્રા માટે દિવસો ભારે આવી રહ્યા છે

મોદીનું ટીટ ફોર ટેટ – પાકિસ્તાનને ચીટીંયો ભર્યો

જયારે સિંગાપોરના તારનમે મોદી તથા તેમના મંત્રીઓને પાઠ ભણાવ્યા