જે સમાજમાં શિક્ષકોને મજુરો કરતાં ઓછો રોજ ( દૈનિક મહેનતાણું ) મળતો હોય એ સમાજ દયનીય
આજે શિક્ષક દિવસ
ઉજવાઇ રહ્યો છે. એક સમયે ચાણક્યે કહેલું કે, શિક્ષક કભી સાધારણ મનુષ્ય નહીં હોતા, સર્જન
ઐાર વિનાશ ઉસકે હાથોમેં ખેલતે હૈ.
પરંતુ આપણે ત્યાં
આજે શિક્ષક સાધારણ થઇ ગયો છે. ક્યાંક સમયસર વેતન મળતું નથી, તો ક્યાંક પૂરતો પગાર
અપાતો નથી. જ્યાં સામાન્ય ખેતમજુરને 350 રૂપિયાનો રોજ આપવાનું સરકાર નક્કી કરે છે,
ત્યારે બીજી તરફ કેટલાય શિક્ષકો તેના કરતાં ઓછા રોજે નોકરી કરે છે. જે સમાજમાં
ન્યૂનતમ રોજગારી કરતાં ઓછું વેતન શિક્ષકને મળતું હોય, એ સમાજનો ઉધ્ધાર થઇ શકે ખરો
હા, ફકત વાંક સરકારનો કાઢવા જેવો નથી. આજની સ્થિતિ માટે શિક્ષક પોતે પણ જવાબદાર
એટલો જ છે. તેનું દિલ બાળકોમાં સંસ્કાર અને શિક્ષણની હરિયાળી ઉગાડવામાંથી ઉઠી ગયું
છે. તે ફકત ઊંચા પગારે નોકરી કરવામાં કે ટયુશન કરીને અધધ રળી લેવામાં જ મશગુલ થઇ
ગયો છે, તેને કારણે જ તેણે સમાજમાંથી તેની જે ઇજ્જત હતી, તે ખોઇ નાંખી છે.
આજે બિહારમાં લગભગ ચાર
લાખ ટીચર્સ સમયસર વેતન ન મળતું હોવાને કારણે અપમાન દિવસ ઉજવી રહ્યા છે. ક્યારેક આઠ
મહિને કે ક્યારેક પાંચ મહિને પગાર મળતો હોય, ત્યારે એ શિક્ષક બાળકોને ભણાવવામાં
શું દિલ રેડી શકે ? શિક્ષકનું કામ તો આવતી કાલના નાગરિકોનું ઘડતર કરવાનું છે.
પરંતુ એ કામ આજે થાય છે ખરૂં ? જવાબ મહદઅંશે નામાં જ મળે એમ છે. બહુ ઓછા શિક્ષકો એવા હશે, જેમના પ્રત્યે વિદ્યાર્થીઓને આદર હશે.
વિદ્યાર્થીઓમાં પ્રિય હોય, આદર મેળવતા હોય એવા શિક્ષકો જ બાળકોનું ઘડતર કરી શકે એમ
છે. દર વર્ષે શિક્ષક દિને શિક્ષકોનું સન્માન કરવાનો એક સરકારી કાર્યક્રમ યોજાતો
હોય છે. હા, એ શિક્ષકની પ્રવૃત્તિ જોઇને તેની પસંદગી થતી હોય છે. એક પરંપરા શરૂ થઇ
છે, તે મુજબ નામોની પસંદગી થાય છે અને કાર્યક્રમ પાર પડે છે. પરંતુ ખરેખર દર વર્ષે
સન્માન કરી શકાય એવા શિક્ષકો બચ્યા છે ખરા ?
પહેલાંના જમાનામાં શિક્ષક
દીન ગણાતો હતો. એ વખતે પણ સમાજમાં તેનું ઉંચેરૂં સ્થાન હતું એમ કહી શકાય એમ નથી.
નહિંતર આપણા સમાજમાં પંતૂજી કે માસ્તર જેવા પર્યાય શિક્ષકો માટે વપરાતા ન હોત. પરંતુ
એ વખતે મોભાની પરવા કર્યા વિના તેઓ કામ કરતા હતા. વિદ્યાર્થીઓને જ્ઞાન આપવાનો તેમનો મનોરથ
હતો. એ વખતે શાળામાં સફાઇ કરાવવી, શણગાર કરાવવો , ખેતી કે સુથારીકામ
જેવા વ્યવસાય શીખવવાનો અભિગમ બાળકોને સ્વાવલંબી બનાવવાનો હતો. રાત્રી શાળા પણ
ચાલતી, વીજળીકરણ થયું ન હોવા છતાં દીવાના અજવાળે શિક્ષક બાળકોને ભણાવે એ પરીકલ્પના
જ આજે તો દીવાસ્વપ્ન જેવી લાગે.આજે શાળામાં બાળકો પાસે સફાઇ કરાવવા ગયા, તો આવી જ
બન્યું. જો બાળકોને મારે તો એ શિક્ષક સામે પોલીસ ફરિયાદ થઇ જાય.હા, બાળકોને મારવું
ન જોઇએ એ વાત સાથે સહમત થવાય, પરંતુ અમેરિકા જેવા દેશોમાં જઇને ઉચ્ચ સ્થાને
પહોંચેલી કેટલીય જુની વ્યક્તિઓ સાથે વાત કરવાનું થાય છે, ત્યારે તેઓ સોટી વાગે
ઘમઘમ.. સાથે સહમત તો થાય જ છે. આજે પર્યાવરણ બદલાઇ ગયું છે. સાથે શિક્ષક પણ
બદલાયો છે. તે પણ પ્રોફેશ્નલ થઇ ગયો છે. તેને પણ છપ્પર ફાડકે પૈસા જ
જોઇએ છે. એ સંજોગોમાં બીજી બાજુ એ પણ છે કે જે શિક્ષક સરકારી ધારાધોરણ મુજબ પગાર
મેળવે છે, એ શિક્ષક હવે દીન રહ્યો નથી. પણ તે વિદ્યાર્થીઓને ભણાવવામાં દીન થઇ ગયો
છે. બીજા નવા શિક્ષકો ફિક્સ પગાર હેઠળ સામાન્ય મજુર જેવું વેતન મેળવે છે. એને ઓછા
વેતનને કારણે ભણાવવામાં ઝાઝો રસ રહેતો નથી. ક્યાંક તો એ વેતન તેના આવજાવ કે
રહેવાના ખર્ચમાં જ પૂરું થઇ જતું હોય છે. પગારની બાબતમાં વચ્ચે અસામાનતાની મોટી ખાઇ ખોદાઇ
ગયો છે.
યુનિવસિર્ટી ગ્રાન્ટ
કમીશનના નિયમ મુજબ વિઝીટીંગ ફેકલ્ટીને એક કલાકના રોકડા 300 આપવાનું ઠરાવાયું છે.
સુરત જેવી યુનિવસિર્ટી તો ગામના છેવાડે હોય, ત્યારે ત્યાં જવામાં જ કેટલાક તો
ખર્ચાઇ જતા હોય છે, ત્યારે એ ફેકલ્ટીને ભણાવવાના કેટલા મળે ?
શિક્ષક જ્યારે
આવતીકાલના નાગરિકને ઘડવાની મહત્વની કામગીરી ભજવતો હોય છે, ત્યારે તેને સન્માનજનક
વેતન અને તે પણ સમયસર મળવું જોઇએ. એ સાથે જ એવું વેતન આપવા સાથે જવાબદારી પણ જોડવી
જોઇએ, જેથી તે ફકત મોટા પગાર લેવા પૂરતો જ શાળામાં આવે એ કોઇ પણ સંજોગોમાં ચલાવી
લેવાય નહીં. તેણે ખરેખર વિદ્યાર્થીઓને જ્ઞાન દીક્ષા આપવાની છે, તે કામ પુરી
લગનથી તે કરે એ જરૂરી છે, તો જ શિક્ષક દિન ઉજવાવનો અર્થ સરે એમ છે- શિક્ષક માટે પણ
અને સમાજ માટે પણ .

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો