તબીબો પણ મમ્મીની શક્તિ સમક્ષ ઝુકી ગયા
![]() |
| photo courtesy pinterest.com |
તમારા ગર્ભમાં જે
સંતાન ઉછરી રહ્યું છે, તેને એકટોપિયા કોર્ડિસનો રોગ થયો છે.
એટલે ?
એટલે કે દસ લાખ બાળકોમાં આઠ બાળકોને જે રોગ થાય છે, એવો રોગ તમારા બાળકને લાગુ
પડયો છે. આ રોગમાં બાળકનું હ્રદય શરીરમાં પાંસળી હેઠળ વિકસવાને બદલે બહાર વિકસે
છે.
તો ?
એટલે જો બાળક બચી જાય તો પણ તે ભાગ્યે જ બોલી કે ચાલી શકશે એટલે એક જ સારો
માર્ગ છે કે ગર્ભપાત કરાવી નાંખો.
તબીબ પહેલી વખત માતા બનનારી
યુવતીને કહી દે તો તેના શમણાં તૂટી જ પડે. હા, આજના સોનોગ્રાફીના જમાનામાં તબીબો
ગર્ભમાં રહેલા બાળકનાં અંગો અંગે પૂરતી જાણકારી મેળવી શકે છે, ત્યારે કોઇ ખાસ
બિમારી બાળકને વળગી હોય તો સ્હેજે માતા- પિતાને એમ થાય કે બાળક જન્મીને અપંગ બની
બિચારૂં બની રહે એના કરતાં ન જન્મે તો સારૂં અને ઘણાં દંપતી ગર્ભપાતનો નિર્ણય લઇ
પણ લેતા હોય છે. પરંતુ 30 વર્ષની અમેરિકાના ઓહિયોની વેહમેનને તબીબની આ સલાહ ગમી
નહીં. સ્વાભાવિક છે કે પોતાના લોહી- માંસમાંથી એક જીવન પાંગરી રહ્યું હોય, તેને
જન્મ પહેલાં જ મોતને ઘાટ ઉતારી દેવાનું કઇ માતાને ગમે ? વેહમેને તબીબને બે દિવસ પછી જવાબ આપવાનું કહી
પોતાના પિત અને બીજા સબંધીઓઓ સાથે ચર્ચા કરી લીધી. બધા સાથે વાતો કર્યા બાદ
વેહમેનનો નિર્ણય પાક્કો થઇ ગયો. તેણે ભાવિની ભીતરમાં શું લખ્યું છે, તે અગાઉથી કઇ
રીતે જાણી શકાય એમ માની લીધું અને બાળકને જન્મ આપવાનો આખરી નિર્ણય તબીબને જણાવી
દીધો. ફરીથી ડૉક્ટરોએ તેને આવનારી આપત્તિથી માહિતગાર કરી દીધી. સ્વાભાવિક છે કે
પહેલાં લાગણીના વહેણમાં તણાઇને લીધેલા નિર્ણયો પાછળથી પસ્તાવાનું કારણ બની જતા હોય
છે. એમ પણ આનંદ ફિલ્મોનો પેલો વિખ્યાત ડાયલોગ છે કે જિંદગી ઐાર મોત તો ઉપરવાલે કે
હાથમેં હોતા હૈ, ન તો ઉસે તુમ બદલ શકતે હો ન હમ. એ મુજબ આવનારું અપંગ સંતાન કેટલાં
વર્ષ જીવે એ કોઇ કહી શકતું નથી અને જીવે ત્યાં સુધી માબાપ ખાસ કરીને મા હોય તો
લગભગ કોઇ જ મુશ્કેલી સર્જાતી નથી, પણ તેઓની ગેરહાજરીમાં અપંગ સંતાનો માટે જીવન
દુષ્કર બની જતું હોય છે, તેથી તબીબો
વાસ્તવિકતા સમજાવી દેતા હોય છે. ડૉક્ટરોએ વેહમેનને પણ પરિસ્થિતિથી વાકેફ કરી દીધી,
પરંતુ તેનો નિર્ણય અફર રહ્યો.
આખરે, માતા જે રુદનનો લાંબા સમયથી
ઇન્તેજાર કરતી હોય એ પળ વેહમેનના જીવનમાં પણ આવી ગઇ. 14 જુલાઇ 1997ના રોજ વેહમેને
દીકરાને જન્મ આપ્યો. હા, માત્ર જન્મ આપ્યો એમ કહીએ તો ચાલે. વેહમેન સ્વસ્થ થઇ
સંતાનનું મોં જુએ તે પહેલાં જ બાળકને ઓપરેશન થિયેટરમાં ઓપરેશન માટે દાખલ કરી
દેવાયો હતો. સ્વાભાવિક છે કે તેને જે રોગ થયો હતો, તેને કારણે હ્રદય છાતીની બહાર
ધબકતું હતું. સામાન્ય રીતે આપણી છાતીમાં પાંસળીઓનું એક અસ્થિતંત્ર હોય છે, જે
હ્રદય જેવા નાજુક પણ મહત્ત્વના અંગને રક્સણ આપવાનું કામ કરે છે. પરંતુ વેહમેનના
દીકરામાં રોગને કારણે પાંસળીઓ અવિકસિત રહી હતી, તેને કારણે હ્રદય બહાર વિકસ્યું
હતું અને તે જોખમી બની શકે એમ હતું, એ ઓછું હોય એમ તેનું લીવર પણ તેના સ્થાને ન
હતું. આ સંજોગોમાં તત્કાળ ઓપરેશન કરીને લીવરને યોગ્ય સ્થાને ગોઠવી દેવાયું અને
હ્રદય ફરતે ચામડીનું આવરણ લગાવી દેવાયું, જેથી તે ખુલ્લું ન રહે. વેહમેનના દીકરાને
તો જન્મ પછી તરત જ ઓપરેશન કરવું પડ્યું અને એ પછી તેને ઇન્ક્યુબેટરમાં રાખવામાં
આવ્યો. આજકાલ કરતાં દિવસો વિતતા જતા હતા, પણ મા તેના દીકરાને છાતીએ વળગાડી પણ શકતી
ન હતી. આ રોગમાં ચેપ લાગી જવાની ખૂબ જ સંભાવના રહેતી હોય છે, તેથી તેને
એન્ટીબાયોટીક્સ અપાતા હતા. આટલી કાળજી લેવા છતાં મહિનો થયો ન થયો ત્યાં દીકરાને
એવો ચેપ લાગી ગયો કે તે મોતના મોંમાં ઘકેલાઇ ગયો હોવાની ચેતવણી વેહમેનને ડૉકટરોએ
આપી કે તરત જ વેહમેનની આંખમાં આંસું આવી ગયા. પરંતુ વેહમેનને વિશ્વાસ હતો કે તેના
દીકરાએ એક મહિના સુધી તમામ મુશ્કેલીઓને હરાવી છે, તો હવે તે નવી કોઇ પણ મુશ્કેલીને
તાબે નહીં જ થાય. એમ કરતાં ત્રણ મહિનાનો દીકરો- ક્રિસ્ટોફર થયો ત્યારે પહેલીવાર
વેહમેનને તેને ગળે લગાવવાનો અવસર મળ્યો. જો કે એ અવસર માત્ર ક્ષણિક હતો.
ક્રિસ્ટોફર હજુ સ્વસ્થ ન હતો અને એ પછીના દસ મહિના સુધી આ દંપતી દરરોજ દીકરાને લઇ
તપાસ માટે હોસ્પિટલનાં ચક્કર લગાવતું રહ્યું. ક્રિસ્ટોફરને જુએ ને શાતા વળે. સાથે
જ તેને ઘરે લઇ જતાં પહેલાં નર્સની તમામ કામગીરી પણ શીખી લેવી જરૂરી હતી, જેથી
દીકરાને ઘરે કોઇ મુશ્કેલી નહીં પડે. ક્રિસ્ટોફરે સાત મહિને માબાપ સામે એક મસ્ત
મઝાનું સ્માઇલ આપ્યું એટલે વેહમેન અને પપ્પા સ્મિથનો બધો થાક ઉતરી ગયો. આખરે,
તેરનો આંકડો એમ તો અપશુકનિયાળ ગણાય, પણ એ અંધશ્રધ્ધામાં માતૃત્વ ફસાય એમ ન હતું.
ડૉકટરોએ રજા આપવાની વાત કહી એટલે વેહમેન રાજીની રેડ થઇ ગઇ અને તેર મહિને દીકરો ઘરે
આવ્યો.
બસ, ઘરથી હોસ્પિટલ આવવાનું થયું ,
ત્યારે એમ તો અમેરિકાના કાયદા મુજબ સાથે એક નર્સ આવી, પણ એક મહિનો ઘરે રહ્યા બાદ
વેહમેનમાંની માએ એક સાદ કર્યો, આમ કાચના વાસણની જેમ દીકરો જીવશે, તો તે કેમ ચાલે.
બાળકો તો કિલ્લોલ કરતાં જ સારાં લાગે, પણ
અહીં તો હજુ ક્રિસ્ટોફરને વેન્ટીલેટર વળગેલું હતું. આખરે, માતાનો આત્મવિશ્વાસ
ઝળક્યો, તેણે નિર્ણય લઇ લીધો કે બસ બહું થયું, જે થવાનું હોય તે થાય, પણ હવે
વેન્ટીલેટર કાઢ્યે જ છુટકો. હવે માતા શિક્ષક બની રહી હતી. સરકારના ખર્ચે નર્સ મળતી
હતી, પણ તેને પણ વેહમેને વિદાય આપી દીધી. તેણે હવે ક્રિસ્ટોફરને જીવનના પાઠ ભણાવવા
શરૂ કર્યા. એ ખરૂં કે દીકારનું હ્રદય માત્ર ચામડીમાં જ છુપાયેલું હોય તો તેના
રક્સણ માટે ખાસ પ્લાસ્ટિકનું મજબૂત આવરણ બનાવડાવી દીધું. દીકરો ત્રણ વર્ષનો થયો
એટલે પહેલું કામ તેના પગે સ્કેટર લગાવવાનું કર્યું , જેથી તે સ્કેટીંગ શીખવા
માંડે. બેસીને રમાતી રમત પણ ક્રિસ્ટોફર રમવા માંડ્યો, તો વય વધવા સાથે તેને
સ્વીમીંગ પણ શીખવવા માંડ્યું. એ ખરૂં કે એન્ટીબાયોટીક્સને કારણે ક્રિસ્ટોફરની
શ્રવણશક્તિ થોડી નબળી પડી ગઇ હતી, તેથી તેને શ્રવણ યંત્ર પણ પહેરવું પડે છે. આ બધી
મુશ્કેલી છતાં ક્રિસ્ટોફર સામાન્ય બાળકની જેમ જિંદગી જીવે તેવો પ્રયત્ન વેહમેન ખાસ
કરતી રહેતી, જેથી તેનો ઉછેર સામાન્ય બાળકો જેવો થઇ શકે. ચાર વર્ષ પહેલાં
ક્રિસ્ટોફરને મમ્મીએ છાતીએ લગાડેલા આવરણનું મહત્ત્વ સમજાવી બધી વાતો કરી દીધી,
જેથી તેને તમામ જોખમોનો ખ્યાલ આવે. દીકરાને માનસિક રીતે બળવાન બનાવીને વેહમેને
તેને બાસ્કેટબોલ પણ રમવા માટે મોકલવા માંડયો. હા, તે જીમમાં પણ જવા માંડ્યો, પણ
માત્ર પુલઅપ્સ જેવી છાતીને સ્પર્શ કરે એવી કસરતથી તેને દૂર રખાયો કેમકે છાતી ઉપર
દબાણ આવે તો તેનું આવરણ ઝીંક નહીં ઝીલી શકે અને હ્રદયને નુકશાન થાય.
એક્ટોપિયા કોર્ડિસ રોગથી પીડાતા
બાળકોમાંથી 90 ટકા બાળકો તેમના જન્મના એક વર્ષમાં જ મૃત્યુ પામતા હોય છે. વળી જે
બચી જાય તે પણ શ્વસનતંત્રના રોગો તથા બીજા ચેપી રોગનો ભોગ બની જતા હોય છે, આમ છતાં
ક્રિસ્ટોફર આજે તબીબોએ જેને માંડ 12 મિનિટ જીવશે એવું કહી હાથ ખંખેરી નાંખ્યા હતા,
તે ક્રિસ્ટોફર આજે 12 વર્ષે પણ સામાન્ય બાળકોની જેમ ઉછરી રહ્યો છે, તેને તબીબો એક
ચમત્કાર નહીં, પણ માતાની શિકિસકા તરીકેની ભૂમિકાને ગણે છે. માતાનો પ્રેમ અને
પરિસ્થિતિ સામે જંગ જીતી જવાની ક્સમતા ક્રિસ્ટોફરને જીવાડી ગઇ અને તે પણ પંગુ નહીં
બનાવીને. વળી પતિ સ્મીથે તો 2001 માં જ સાથ છોડી દીધો હતો, છતાં ડગ્યા વિના વેહમેન
એક સવાયી માતા પુરવાર થઇ છે.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો