વિયેતનામને ડેલે હાથ દઇને મોદીએ ચીનને ચેકમેટ કર્યું
ચોથીથી જી-20 દેશોની
મીટીંગમાં ભાગ લેવા માટે ભારતીય વડાપ્રધાન મોદી ચીનની મુલાકાતે જશે. જો કે અત્યાર
સુધી એક સાથે બે- ત્રણ દેશોની મુલાકાત મોદી લેતા રહ્યા છે, તેમ ચીન પહોંચતા પહેલાં
તેમણે ઇજીપ્ત અને વિયેતનામની મુલાકાત પણ આયોજિત કરી હતી. ઇજીપ્તની મુલાકાતથી કોઇ
ખાસ હલચલ થઇ નથી, પરંતુ ચીન જતાં પહેલાં એક દિવસ માટે વિયેતનામની મુલાકાત લઇને
મોદીએ ચીનને જવાબ આપવાની શરૂઆત કરી દીધી છે. પાકિસ્તાનમાં બલુચીસ્તાનનું ઉબાડિયું
ચાંપી દઇને નહેલે પે દહેલા કરનારા મોદીએ હવે વિયેતનામની મુલાકાત લઇને ચીનને પણ
સખણા રહેવા માટે શાનમાં સમજાવી દીધું છે.
યાદ રહે કે ચીન અને
વિયેતનામ વચ્ચે સબંધો બહુ સારા નથી. અત્યારે પણ તે બંને વચ્ચે દક્સિણી ચીની સમુદ્ર
મામલે સંઘર્ષ ચાલે છે, તો આ પહેલાં બંને વચ્ચે ત્રણ વખત સંઘર્ષ થઇ ચૂક્યા છે અને
તેમાં વિયેતનામે ચીનને કસીને જવાબ આપ્યો છે. યાદ રહે કે વિયેતનામ છે ટચૂકડું, પણ
અમેરિકા માટે પણ તે માથાનો દુઃખાવો બન્યું હતું અને ચાર દાયકા પહેલાં અમેરિકાએ પણ
વિયેતનામમાં પરાજયનો સ્વાદ ચાખવો પડેલો.એ જ વિયેતનામના ભારત સાથે સારા સબંધ છે અને
મોદીજીએ તેની ચીન સાથેની દુશ્મનીનો લાભ ભારતને મળે એ માટે પાસા નાંખ્યા છે.
બલુચીસ્તાનનો ઉલ્લેખ પોતાના સંબોધનમાં કરીને પાકિસ્તાનને દોડતું કરી મૂક્યા બાદ
હવે ચીનનો વારો મોદીએ કાઢ્યો છે.
ચીન અદકપાંસળું છે.
જ્યારે ભારત હિન્દી- ચીની ભાઇ ભાઇના નારા લગાવતું હતું , ત્યારે પણ તેને ભારતની
મૈત્રી પલ્લે પડી ન હતી અને પીઠમાં ખંજર ઘોંચવાનું કામ કર્યુ હતું. ચીન તો મિત્ર
છે, તેથી એ સરહદે ગાફેલ રહેલા ભારતે ચીન સામે પરાજય વેઠવો પડયો હતો. એ પછી બંને
દેશો વચ્ચેના સબંધમાં ભારે ઓટ આવી હતી. એ પછી હાલમાં મોદીએ ચીન સાથે સબંધ વિકસાવવા
માટે પ્રયાસ કર્યા છે, પણ તેમાં ઝાઝી સફળતા મળી નથી. ભારતીય ભૂમિ ઉપર વારંવાર
ઘૂસણખોરી કરીને પરેશાન કરતા રહેવાની નીતિ અત્યારે ચીને અપનાવી હોય એમ લાગે છે.
સાથે સાથે તે પાકિસ્તાનને મદદ કરતું રહ્યું છે. પાકિસ્તાન અત્યારે 74 લાખ કરોડના
દેવા હેઠળ છે, ત્યારે ચીન પાકિસ્તાનમાં ઇકોનોમિક કોરીડોરમાં વ્યસ્ત છે. 48 અબજ
ડોલર ચીન પાકિસ્તાનમાં રોકાણ કરશે. એ ગ્વાદર બંદર વિકસાવશે, તો ત્યાં સુધી પહોંચવા
ચીન પાકિસ્તાને પચાવી પાડેલા ભારતના કાશ્મીરમાં થઇને હાઇ વે બનાવી રહ્યું છે. તે
ચીનથી ગ્વાદર સુધીનો 2400 કિલોમીટરનો માર્ગ, રેલ્વે તેમજ ગેસ પાઇપલાઇન નાંખવાની યોજના
ઘડી રહ્યું છે. સ્વાભાવિક છે કે બલુચીસ્તાન ભડકે તો ત્યાં આ કોરીડોરનો ખાત્મો બોલી
જાય એવી ચીનને ભીતી છે.
બલુચીસ્તાનમાં આઝાદી
ઝંખતા બલુચ લોકોને આડકતરો ટેકો આપીને મોદીજીએ પાકિસ્તાનને સખણું રહેવા માટે સંકેત
આપી દીધા છે. પાકિસ્તાન નામનું વાછરડું ચીનના ખીલે કૂદાકૂદ કરી રહ્યું છે, ત્યારે
ખીલા જેવા ચીનને પણ ચેકમેટ કરવું જરૂરી છે અને એ માટે મોદીજીએ વિયેતનામ નામના
પ્યાદાનો ઉપયોગ કર્યો છે.
યાદ રહે કે હજુ ગયા
અઠવાડિયે જ ચીને ભારતને પાકિસ્તાન સાથે મળીને જવાબ આપવાની ગર્ભિત ધમકી આપી હતી.
હવે ભારતે જ ચીનને જોખમનો ઇશારો કરી દીધો છે. મોદીજીએ ચીનની મુલાકાત લેતાં પહેલાં
ચીનના દુશ્મન જેવા વિયેતનામની મુલાકાત લઇને ચીન કરતાં ભારત માટે વિયેતનામ મહત્વનું
છે, એવો આડકતરો ઇશારો કરી દીધો છે. વળી એ કાંઇ એટલાથી મુલાકાત પૂરી થાય એમ નથી. આ
લખાય છે, ત્યારે મોદીજી વિયેતનામ પહોંચી ગયા છે અને ત્યાં વિયેતનામને બ્રહ્મોસ
મિસાઇલ આપવાના કરાર કરે એમ છે. એ ઉપરાંત હાઇસ્પીડ પેટ્રોલ બોટ પણ ભારત વિયેતનામને
આપે એમ છે.આમ કરીને ભારતે વિયેતનામને મજબૂત કરવા માટે પગલાં ભરવા શરૂ કર્યા છે. જો
આ સોદો થાય તો ભારત પહેલી વખત શસ્ત્રોની નિકાસ કરશે.
બ્રહ્મોસ મિસાઇલ
ચીનને ટાર્ગેટમાં રાખી શકે એમ છે. ભારતમાંથી પણ ચીન ઉપર હુમલો થઇ શકે એ માટે ઉત્તર-પૂર્વના
મોરચે ભારત બ્રહ્મોસ તહેનાત કરશે, બીજી તરફ વિયેતનામ પણ એ તહેનાત કરે તો ચીનને
માથે પ્રેશર અવશ્ય વધે.બીજી તરફ અમેરિકાના પ્રવાસે ગયેલા ભારતીય સરંક્ષણ પ્રધાન
મનોહર પરિકરે અમેરિકા સાથે લોજેસ્ટીક એક્સચેન્જ કરાર કર્યા છે, એ કરાર હેઠળ ભારત
અને અમેરિકી સૈન્યો એકબીજાની લશ્કરી છાવણીનો તથા ઇન્ફ્રાસ્ટ્રકચરનો ઉપયોગ કરી શકશે.
યાદ રહે કે અમેરિકા પાસે આ વિસ્તારમાં આવો એક પણ સાથી નથી. નાટોમાં અત્યારે 45
દેશો છે. એ સિવાય ભારત અમેરિકા સાથે મિલેટ્રી કરાર કરી જોડાયેલું રહેશે. હા,
અત્યારે તો રીફ્યુલીંગ અને રેપેરીંગ જેવા કામ માટે જ ઇન્ફ્રાસ્ટ્રકચપનો ઉપયોગ
કરવાનું ઠરાવાયું છે, પણ પાછળથી કટોકટી દરમ્યાન કોઇ પણ હેતુ માટે ઉપયોગ થઇ શકે એ
તો નાનું બચ્ચું પણ જાણે છે. ચીનને એટલે જ ફાડ પડી છે. દક્ષિણ ચીની સમુદ્ર વિસ્તાર
પોતાનો હોવાનો દાવો સંયુક્ત રાષ્ટ્ર સંઘે નકારી કાઢ્યો છે, ત્યારે ભારતની ભૂમિ પર
રહી અમેરિકા તેની છાતી પર ચઢી આવે એ કોને ગમે ?
વેલ, સરવાળે અત્યારે તો ચીન અને પાકિસ્તાનને ખાળવા માટે મોદી સરકારે એકથી એક
ચઢીયાતા પગલાં ભર્યાં છે, ત્યારે ચીન અને પાકિસ્તાનને ફફડાટ પેંસી ગયો હોય એ સમજી
શકાય એમ છે. ચીન માટે દ્વીધા એ પણ છે કે ભારતના વિશાળ બજાર અને મજબૂત આર્થિક ક્સમતાની
સામે પાકિસ્તાન સાવ દેવાળિયું છે, તેને કારણે ચીન ભારતને સાવ હાંસિયામાં ધકેલી શકે
એમ નથી.ભારતે અત્યારે તો ચીન અને પાકિસ્તાન સામે યુધ્ધે ચઢવાનો કોઇ જ વિચાર કર્યો
નથી, પરંતુ જો ઘર આંગણે શાંતિ ન રહે તો યુધ્ધનો વિકલ્પ ખુલ્લો છે, એ સંદેશો
મોદીજીએ પાકિસ્તાનને આપી જ દીધો છે.મોદીએ એક સાથે અનેક પક્સીઓ માર્યા છે, તેનો લાભ
ભારતને અવશ્ય મળશે. વળી હવે 2019માં ભારતમાં ચૂંટણી આવશે, ત્યારે મોદી માટે પણ
આવનારો સમય મહત્વનો છે, ત્યારે દાઉદ કે કાશ્મીરના મામલે મોદી સરકાર કોઇ નિર્ણાયત્મક
પગલાં જરૂર ભરશે. એ માટે અત્યારે તૈયારી ચાલી રહી છે, તે ન ભુલાય.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો