સ્વદેશી ક્રાયોજેનિક એન્જિન સાથેના જીએસએલવીનું સફળ પ્રસ્થાન




આખરે, જીએસએલવી ઇસરો કોમ્યુનીટીમાં નોટીબોય એટલે કે તોફાની બારકસ તરીકે જાણિતું હતું, પણ હવે સફળતાની હેટ્રીક સાથે જીએસએલવી ઇસરોના ભરોસાપાત્ર વાહનોમાં સ્થાન મેળવી લેશે. 8મી સપ્ટેમ્બર 2016ના રોજ 20 મિનિટના વિલંબ બાદ હાથ ધરાયેલા પ્રસ્થાને સફળતાપૂર્વક ઇન્સ્ટેટ – 3ડીઆર ઉપગ્રહને અવકાશમાં તરતો મૂક્યો હતો. એ સાથે જ ઇસરોએ ક્રાયોજિનક એન્જિનની સફળતાપૂર્વક ટેકનોલોજી વિકસાવી લીધી હતી.
આજે ટીવી પરથી સફળતાપૂર્વક આ લોન્ચને જોતાં જોતાં મને શ્રીહિરકોટાનો પ્રવાસ યાદ આવી ગયો. 2013ની 5મી નવેમ્બરે માર્સ ઓર્બિટરને અવકાશમાં રવાના કરવાનું હતું. એ લોન્ચ માટે મને શ્રીહરિકોટા અવકાશ મથકે હાજર રહેવાનું આમંત્રણ મળ્યું હતું. નવા વર્ષની સવારે રવાના થયો અને એ સાંજે બેંગ્લુરૂ ખાતેના અંતરિકસ ભવન ખાતે પહોંચવાનું થયું હતું. હા, ભાષાની મોટી મુશ્કેલી હતી. પરંતુ મારી સાથે મુંબઇથી એક આધેડ દંપતિ આવ્યું હતું. તેઓએ મને અડધા માર્ગ સુધી લીફટ આપી અને એ પછી વાસન હોસ્પિટલની બાજુમાં આવેલા ભવનને શોધવામાં થોડી તકલીફ પડી હતી. આખરે, ત્યાં જઇને શ્રીહરિકોટા જવા માટે જરૂરી કાર્યવાહી પૂરી કરી અને એ રાત્રીનું રોકાણ બેંગ્લુરુની એક હોટલમાં કર્યું હતું. બીજા દિવસે સવારે ભવન પરથી બસ લેવા માટે આવી હતી અને બસમાં બેસતાની સાથે જ ભરપેટ નાસ્તાની ડિશ આપી, જેમાં દક્ષિણ ભારતની વિવિધ વાનગીઓ હતી. બેંગ્લુરુથી શ્રીહરિકોટાનું અંતર લગભગ 80 કિલોમીટર છે. એ પહોંચતા તો ઘણો સમય નીકળી જાય.
જો કે શ્રીહરિકોટા પહોંચવાનો માર્ગ બહુ જ રમણિય. એક તરફ બંગાળનો ઉપસાગર અને બીજી તરફ પુલીકટ સરોવર. વચ્ચે શ્રીહરિકોટા પહોંચવાનો માર્ગ. સરોવરમાં તો પેલિકન જોવા મળે. આ સરોવરમાં તે ખાસ જોવા મળે. શ્રીહરિકોટા પહોંચ્યા, તો જાણે જંગલમાં પહોંચી ગયા હોય એવી અનુભૂતિ કરાવતી વનરાજી જોવા મળી. પૂરતી સુરક્ષાની તપાસ બાદ મીડિયા સેન્ટર પર લઇ જવાયા, જયાં મનભાવન ભોજન બાદ લોન્ચ જોવાનો લ્હાવો મળ્યો.
મીડિયા સેન્ટરની ગેલેરીમાંથી જુઓ એટલે સામે બે લોન્ચ પેડની નિશાની દર્શાવેલી અને એ વખતે મંગળયાનને લઇ જતું પીએસએલવી રોકેટ બીજા લોન્ચપેડ પરથી રવાના થવાનું હતું. સમય બપોરે બે થઇ ગયા કે જાણે શુકનના છાંટણા થતા હોય એમ વરસાદે થોડા છાંટા નાંખ્યા અને થોડી જ વારમાં કાઉન્ટડાઉન થઇ ગયું. ગેલેરીમાંથી આસપાસ નજર કરો તો ઇસરોના વિવિધ બિલ્ડીંગ દેખાય અને તેના ઉપર કૂદાકૂદ કરતાં વાંદરા પણ દેખાય. કાગડા અને બીજા પક્ષીઓ પણ ઉડાઉડ કરતા જોવા મળે. વિદેશી ચેનલોની ટીમ પણ એ વખતે આવી હતી. કાઉન્ટ ડાઉન પૂરું થયું એ સાથે જ વનરાજીની વચ્ચેથી ઘૂઘવાટ સંભળાવવા માંડયો અને ધીરે ધીરે એ અવાજ વધતો ગયો , થોડી જ સેકન્ડમાં નજર સામે પીએસએલવી રોકેટ અવકાશ ભણી જતું દેખાયું. તેની પૂંછડીમાંથી અગનજ્વાળા લબકારા લેતી હતી અને તે ધીરે ધીરે નજરથી ઓઝલ થતું ગયું અને થોડી મીનીટોમાં જ ઇસરોએ સફળ મિશનની જાહેરાત કરી દીધી.
એ જ શ્રીહરિકોટાના બીજા લોન્ચ પેડ પરથી આજે ભારતીય અવકાશ કાર્યક્રમને પરેશાન કરતા રહેતા જીએસએલવી રોકેટે કોપીબુક સ્ટાઇલથી અવકાશગમન કર્યું હતું. જીએસએલવીનો ઇતિહાસ સફળતા અને નિષ્ફળતાથી લખાયેલો છે. તેને પીએસએલવી જેટલું ભરોસાપાત્ર ગણવામાં આવતું નથી. પરંતુ જાણે ગુરૂવારને સફળ બનાવવો હોય એમ ડાહ્યુંડમરૂં થઇને જીએસએલવીએ અવકાશ ભણી યાત્રા આરંભી હતી. આ તેનું સતત ત્રીજું સફળ પ્રસ્થાન હતું. પરંતુ સ્વદેશી ક્રાયોજેનિક ટેકનોલોજી સાથેનું આ તેનું પહેલું પ્રસ્થાન હતું. 17 માળ ઊંચું જીએસએલવી રોકેટ દ્વારા પહેલી વખત ભારતે બે ટનથી વધુ વજનનો ઉપગ્રહ અવકાશમાં તરતો મૂક્યો છે, એ પણ એક સિધ્ધિ છે.2211 કિલોગ્રામ વજનનો આ ઉપગ્રહ હવામાન અંગે આપણને અપડેટ માહિતી આપતો રહેશે. 400 કરોડના ખર્ચે 415 ટનના આ જીએસએલવીએ સફળ પ્રસ્થાન કરીને ઇસરોને પણ ખુશ કરી દીધું છે કેમકે હવે ચંદ્રયાન-2 જીએસએલવી ઉપર જ સવાર થઇને ચંદ્ર ઉપર પહોંચશે. જીએસએલવી હવે ઇસરોનું ભરોસાપાત્ર વાહન બની રહેશે.

ટીમ ઇસરોને અભિનંદન.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

જમાઇ રાજા વાડ્રા માટે દિવસો ભારે આવી રહ્યા છે

મોદીનું ટીટ ફોર ટેટ – પાકિસ્તાનને ચીટીંયો ભર્યો

જયારે સિંગાપોરના તારનમે મોદી તથા તેમના મંત્રીઓને પાઠ ભણાવ્યા